એડમિશન માટે 50 હજારની લાંચ લેનારા કૉલેજના એડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસરની ધરપકડ
મુંબઈ: પુત્રીને એડ્મિશન અપાવવા માટે પિતા પાસેથી 50 હજાર રૂપિયાની કથિત લાંચ લેવા બદલ એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ ઘાટકોપરની કૉલેજના એડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસરની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ રવીન્દ્રનાથ સિંહ (56) તરીકે થઈ હતી. ઘાટકોપરની રામનિરંજન ઝુનઝુનવાલા કૉલેજ ઑફ આર્ટ્સ, સાયન્સ ઍન્ડ કૉમર્સમાં સિંહ એડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસર તરીકે કાર્યરત હતો.
આ પણ વાંચો: અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, લાંચ નો મુદ્દો ગાજ્યો
ફરિયાદીની પુત્રીને કૉલેજમાં કૉમર્સ ફેકલ્ટીમાં 11મા ધોરણ માટે એડ્મિશન જોઈતું હતું. જોકે કૉલેજ દ્વારા જાહેર કરાયેલા લિસ્ટમાં તેનું નામ નહોતું. પરિણામે વિદ્યાર્થિની અને તેના પિતા સિંહને મળવા કૉલેજ ગયાં હતાં. તેમણે એડ્મિશનની પ્રક્રિયામાં મદદરૂપ થવાની વિનંતી સિંહ સમક્ષ કરી હતી, એમ એસીબીના અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદી સ્થાનિક વિધાનસભ્યને પણ મળ્યા હતા. વિધાનસભ્યએ કૉલેજને સંબોધીને લેટર પણ આપ્યો હતો. જોકે ફરિયાદી ફરી સિંહને મળતાં સિંહે એડ્મિશન માટે દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી. તડજોડ પછી 50 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
આ પણ વાંચો: બે કરોડની લાંચ: પાલિકાના અધિકારી સામે ગુનો, બે પકડાયા
આ પ્રકરણે ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદની ખાતરી કરી એસીબીએ શુક્રવારે છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ સ્વીકારનારા સિંહને એસીબીએ પકડી પાડ્યો હતો. (પીટીઆઈ)