…તો રદ્દ થઈ શકે કોલ્ડપ્લે કોન્સર્ટ, જાણો હવે લેટેસ્ટ અપડેટ?
મુંબઈઃ તાજેતરમાં પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ ‘કોલ્ડપ્લે’ ભારતમાં કોન્સર્ટ કરી રહ્યું છે તે વિશે ઘણી ચર્ચા થઈ હતી. કોન્સર્ટની ટિકિટો મિનિટોમાં વેચાઈ ગઈ હતી અને ‘બુક માય શો’ વેબસાઈટ પણ ક્રેશ થઈ ગઈ હતી. ટિકિટના વેચાણને લઈને છેતરપિંડીના આક્ષેપો પણ થયા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ કેન્સલ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે કોલ્ડપ્લેના ઈન્ડિયા કોન્સર્ટની ટિકિટ વેચવાની જવાબદારી વેબસાઈટ ‘બુક માય શો’ની હતી. જોકે, થોડી જ મિનિટોમાં હજારો ટિકિટો ઊંચા અને મોંઘા ભાવે વેચાઈ ગઈ હતી. આ પછી, ટિકિટ વેચાણમાં છેતરપિંડીને લઈને સોશિયલ મીડિયા પર યુદ્ધ શરૂ થયું.
ટિકિટના ભાવમાં છેતરપિંડી કરવાને કારણે ‘બુક માય શો’ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પછી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે બુક માય શોના સીઈઓ અને કો-ફાઉન્ડર આશિષ હેમરાજાનીને નોટિસ મોકલી હતી. તેમને ૨૭ સપ્ટેમ્બરે પોલીસ સમક્ષ હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર થયા નહોતા. આ પછી તેમને ફરીથી નોટિસ મોકલવામાં આવી છે.
કોલ્ડપ્લેનો ઈન્ડિયા કોન્સર્ટ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ જતા નેટીઝન્સ પણ ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મારી આગાહી: કોલ્ડપ્લે શો કેન્સલ કરશે. તેમના માટે ભારતમાં ઉતરવું ખૂબ જ જોખમી છે. એવી સંભાવના છે કે મુંબઈ પોલીસ તેને આમાં પક્ષકાર બનાવે, પછી ભલે તે ખોટું હોય.’ એક યુઝરે લખ્યું, ‘મેં સાંભળ્યું છે કે તેઓ કોલ્ડપ્લે શો કેન્સલ કરી શકે છે? તમે પછીથી મારો આભાર માની શકો છો.’
કોલ્ડપ્લેની સૌથી સસ્તી ટિકિટ રૂ ૨૫૦૦ હતી. સૌથી મોંઘી ટિકિટની કિંમત રૂ ૩૫,૦૦૦ હતી. જેમાં રૂ.૩૫૦૦ ,રૂ ૪૦૦૦ , રૂ ૪૫૦૦ , રૂ ૬,૪૫૦ અને રૂ ૧૨,૫૦૦ની ટિકિટો હતી. રૂ ૩૫,૦૦૦ ની ટિકિટ લાઉન્જ માટે હતી, જો કે ટિકિટના વેચાણ પછી ખબર પડી કે રૂ ૩૫૦૦ ની ટિકિટો ૭૦ હજાર રૂપિયા સુધી ફરી વેચવામાં આવી હતી.
ભારતમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ જાન્યુઆરી ૨૦૨૫માં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ત્રણ દિવસ માટે યોજાશે. ૧૮મી અને ૧૯મી જાન્યુઆરીએ પર્ફોર્મ કર્યા બાદ કોલ્ડપ્લે ૨૧મી જાન્યુઆરીએ પણ પરફોર્મ કરશે.