Coldplay concert in Navi Mumbai: વધુ ટ્રેન અને બસ દોડાવવાનો પ્રશાસનનો દાવો…

નવી મુંબઈઃ આ સપ્તાહના અંતમાં કોલ્ડપ્લે કોન્સર્ટ નવી મુંબઈના નેરુલના ડી વાય પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. આ કોન્સર્ટ માટે હજારોની સંખ્યામાં ચાહકોની ભીડ એકઠી થવાની હોવાથી નવી મુંબઈ પાલિકા દ્વારા આ મેગા ઈવેન્ટમાં કોઈ મુશ્કેલી વિના પૂર્ણ થાય તેના સુનિશ્ચિત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. કોલ્ડપ્લે કોન્સર્ટ નવી મુંબઈમાં ૧૮, ૧૯ અને ૨૧ જાન્યુઆરીએ તેના મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂરના ભાગ રૂપે પરફોર્મ કરશે.
આ અગાઉ નવેમ્બર ૨૦૧૬માં બેન્ડે ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ દરમિયાન મુંબઈના બાંદ્રામાં એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે પરફોર્મ કર્યું હતું. ઇવેન્ટ દરમ્યાન લોકોએ ભીડ, લાંબી કતારો, પાર્કિંગ સમસ્યાઓ અને અપૂરતી જાહેર પરિવહનની વ્યવસ્થાઓનો સામનો કરવો પડ્યો હતો. આ બધા અનુભવોમાંથી શીખીને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બધી અડચણો દૂર કરવા વિશેષ પગલાં લીધા છે.
લોકોની ભીડને પહોંચી વળવા માટે નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સમગ્ર શહેરમાં વધુ બસ દોડાવવામાં આવશે. એનએમએમસી કમિશનરે જણાવ્યું હતું કે એનએમએમટી દ્વારા ઈલેક્ટ્રિક બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જે નેરુલ અને જુઈનગર જેવા નજીકના રેલ્વે સ્ટેશનોથી સ્ટેડિયમ સુધી દોડાવવામાં આવશે જેથી લોકોને સુવિધા રહે.
આ પણ વાંચો : ટૉરેસ સ્કૅમ: હાઇ કોર્ટે તપાસમાં ઢીલાશ બદલ પોલીસની ઝાટકણી કાઢી,વ્હીસલબ્લોઅરને રક્ષણ આપવાનો આદેશ…
દરમિયાન લાઈવ એન્ટરટેઈનમેન્ટ એન્ડ વેન્યુઝ અને BookMyShowએ જણાવ્યું હતું કે અમે વિશેષ લોકલ ટ્રેન સેવા શરૂ કરવા માટે રેલવે સાથે ચર્ચા પણ કરી છે. આ ટ્રેન કોન્સર્ટના ત્રણ દિવસ દરમિયાન ગોરેગાંવ અને નેરુલ વચ્ચે દોડશે જે બંને તરફ અંધેરી, બાંદ્રા, ચેમ્બુર અને જુઈનગર જેવા મુખ્ય સ્ટેશનો પર થોભશે, જેની ટિકિટ BookMyShow પર ઉપલબ્ધ છે.
સિટી એન્જિનિયરે જણાવ્યું હતું કે પોતાની કાર લઈને આવનારાઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પંચશીલ કમ્પાઉન્ડ પાસે રહેજા પ્લોટ, નેરુલમાં ભીમાશંકર કોલોની પાસેનો પ્લોટ અને સીબીડી બેલાપુર ખાતે પાર્કિંગ પ્લાઝામાં લગભગ ૫૦૦ ફોર-વ્હીલર માટે હંગામી પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે.
એનએમએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે એનએમએમસી દ્વારા સ્થળની આસપાસ અસ્થાયી શૌચાલયની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને એક વિશેષ સફાઈ ટુકડી ઇવેન્ટ દરમ્યાન સ્વચ્છતા જાળવશે. એમએમએમસી એ દ્વારા સ્થાનિકોને અડચણ ન થાય તે માટે ટ્રાફિકનું નિયમન અને અવાજનું સ્તર ન વધે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે.