મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે: ઉત્તર ભારતના પવનોને કારણે શીત લહેરની આગાહી…

મુંબઈ, વિદર્ભ અને મરાઠવાડા સહિત રાજ્યભરમાં તાપમાન ઘટશે; ધારાશિવ અને વર્ધામાં પણ ઠંડીનો અનુભવ
મહારાષ્ટ્ર: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાથી વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે સોમવારથી મુંબઈ સહિત રાજ્યભરમાં ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્તર ભારતમાં અને પછી દક્ષિણ તરફ ઠંડા પવનો ફૂંકાશે. મહારાષ્ટ્રમાં ઠંડી વધશે અને સોમવારથી મહારાષ્ટ્રમાં શીત લહેરની અસર અનુભવાશે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ૧૦, ૧૧ અને ૧૨ ડિસેમ્બરે ઘટશે. આજથી વિદર્ભ, મરાઠવાડા, ઉત્તર મહારાષ્ટ્ર અને કોંકણમાં સર્વત્ર ભારે ઠંડી અનુભવાશે. બીજી બાજુ મુંબઈમાં તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડક પસરી છે. મુંબઈમાં તાપમાન ઘટવાથી ગરમીમાંથી મુક્તિ મળી શકે છે, એમ આઈએમડીના અધિકારીએ જણાવ્યું હતું.
ધારાશિવ જિલ્લામાં પણ ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાન ૧૭ થી ૧૮ ડિગ્રી સુધી ઘટી શકે છે. આગામી થોડા દિવસો સુધી વાદળછાયું વાતાવરણ ચાલુ રહેવાની ધારણા છે અને આ ફેરફારની સીધી અસર જિલ્લામાં પાક પર જોવા મળશે.બીજી તરફ વર્ધામાં પણ તાપમાન ૧૧.૨ ડિગ્રી સુધી પહોંચ્યું છે. ઠંડીનું પ્રમાણ વધતાં નાગરિકો તાપણાનો આશરો લેતા જોવા મળી રહ્યા છે.



