મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યોઃ નવા વર્ષમાં કેવી રહેશે ઠંડી? જાણો IMDની લેટેસ્ટ આગાહી

મુંબઈઃ નવા વર્ષની શરૂઆતને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાંથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોને કારણે પારો ઝડપથી નીચે આવી ગયો છે. ભારતીય હવામાન વિભાગના મતે ડિસેમ્બરના અંત સુધી આ ઠંડીથી કોઈ રાહત મળશે નહીં.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી છ દિવસ સુધી મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ પવનની દિશામાં ફેરફારને કારણે નવા વર્ષ પર ઠંડી વધી શકે છે.
ઉત્તર ભારતમાં ફેલાયેલી તીવ્ર ઠંડીની સીધી અસર મહારાષ્ટ્ર પર પડી રહી છે. ઉત્તર અને મધ્ય મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. સવાર-સાંજ ફૂંકાતા ઠંડા પવનોએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ૧ જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેશે, જેની અસર મહારાષ્ટ્રના સરહદી વિસ્તારો પર પણ પડશે.
મીડિયાના અહેવાલ અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીનો અનુભવ થશે. ખાસ કરીને મરાઠવાડા અને વિદર્ભના આંતરિક વિસ્તારોમાં રાત્રે અને સવારે તડકા છતાં હાડ કંપાવતી ઠંડીનો અનુભવ થશે. અહિલ્યાનગર (અહમદનગર)માં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. પુણે અને નાશિકમાં આકાશ સ્વચ્છ રહેશે, પરંતુ સવારે ધુમ્મસ છવાયું હોવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
આપણ વાંચો: નવી મુંબઈની કોર્ટે 2015ના બળાત્કારના કેસમાં શખસને નિર્દોષ છોડ્યો



