આમચી મુંબઈ

ચક્રવાત ફેંગલ બાદ મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો

મુંબઇઃ બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત ‘ફેંગલ’ દક્ષિણ ભારતમાં જોરદાર ત્રાટક્યું હતું, જેને કારણે આ રાજ્યોના લોકોને ભારે વરસાદ અને પૂર પ્રકોપનો સામનો કરવો પડ્યો છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો ચક્રવાત ‘ફેંગલ’ના કારણે રાજ્યભરમાં ઠંડી ગાયબ થઈ ગઈ હતી. હવે ચક્રવાત ‘ફેંગલ’ની વિદાય બાદ મુંબઈ સહિત ઉપનગરોમાં ઠંડીનું જોર ઘણું વધી ગયું છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 10 થી 20 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. મુંબઈની સાથે થાણે, ડોમ્બિવલી, કલ્યાણ અને પશ્ચિમ ઉપનગરોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે અને કેટલેક ઠેકાણે વરસાદ પણ નોંધાયો છે. મુંબઈની સાથે પુણે, નાસિક, નાગપુર, સોલાપુરમાં પણ તાપમાનમાં ભારે ઘટાડો થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર પર ચક્રવાત ફેંગલનો પ્રભાવ પૂરો થઈ ગયો છે. જેના કારણે મુંબઈમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. હાલમાં મુંબઈ અને તેના ઉપનગરોમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં મુંબઈમાં લઘુત્તમ તાપમાન વધુ ઘટશે. હાલમાં મુંબઈના ઉપનગરો અને નવી મુંબઈમાં પણ ઠંડી વધવાની શરૂઆત થઇ ગઇ છે.

નાશિકમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અહીં શિયાળાના તાપમાનમાં ફરી ઘટાડો થયો છે. નાસિકમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નાસિકમાં ગઈ કાલે 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નાશિકનો પારો હજુ વધુ નીચે ગયો છે અને આજે 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નિફાડમાં ફેંગલ વાવાઝોડાની અસર ઓછી થતાં ઠંડીનું જોરદાર મોજુ ફરી વળ્યું છે. નિફાડ તાલુકામાં લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે. ઓઝર ખાતે લઘુત્તમ તાપમાન 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કુંદેવાડી ઘઉં સંશોધન કેન્દ્ર ખાતે લઘુત્તમ તાપમાન 67 ડિગ્રી નોંધાયું છે.. વધતી ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા.

Also Read – ગૌરવવંતા ચાર ગુજરાતીઓનું “મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ” દ્વારા સન્માન…

ધુળે જિલ્લામાં પણ તાપમાનનો પારો ફરી નીચે ઉતર્યો હતો અને શહેરમાં 9.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પુણેમાં પણ ઠંડીનું કમબેક જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચક્રવાત ફેંગલની અસર ઓછી થવાનું શરૂ થયા બાદ પુણે સહિત રાજ્યમાં એક દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. આગામી 10 દિવસ એટલે કે 18મી ડિસેમ્બર બુધવાર સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ચક્રવાત ‘ફેંગલ’ના કારણે ઠંડી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ હવે ફરી ઉત્તર ભારતમાંથી આવતા તેજ ગતિના પશ્ચિમી પવનોને કારણે રાજ્યભરમાં ઠંડીમાં વધારો થશે, એમ ભારતીય વેધશાળાએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button