કોલાબાના સિનિયર સિટિઝન સાથે 11.16 કરોડનો શૅર ટ્રેડિંગ ફ્રોડ: યુવકની ધરપકડ…
વિવિધ બેન્ક, ખાતાધારકોનાં 33 ડેબિટ કાર્ડ, 12 પાસબૂક જપ્ત
મુંબઈ: દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં રહેનારા 75 વર્ષના સિનિયર સિટિઝન સાથે 11.16 કરોડ રૂપિયાનો શૅર ટ્રેડિંગ ફ્રોડ આચરવા પ્રકરણે સાયબર પોલીસે 31 વર્ષના કૈફ ઇબ્રાહિમ મન્સુરી નામના યુવકની ધરપકડ કરી હતી. મોહંમદ અલી રોડ ખાતે રહેતા મન્સુરી પાસેથી વિવિધ બેન્કના અને ખાતાધારકોના 33 ડેબિટ કાર્ડ તથા 12 પાસબૂક જપ્ત કરાયાં હતાં.
આ પણ વાંચો : પ્રદૂષણથી છુટકારા માટે BMC હાથ ધરશે આ કામગીરી, જાણો શું છે પ્લાન?
ફરિયાદી સિનિયર સિટિઝનનો મોબાઇલ નંબર 19 ઑગસ્ટ, 2024ના રોજ અગ્રણી નાણાકીય સેવા કંપનીનું નામ ધરાવતા વ્હૉટ્સઍપ ગ્રૂપમાં ઍડ કરાયો હતો. ત્યાર બાદ અન્યા સ્મિથ નામની મહિલાએ ગ્રૂપ પર માહિતી અપલોડ કરી હતી સાથી સભ્યોને પૂછ્યું હતું કે તેઓ તેમના પ્લેટફોર્મ અને વ્યૂહરચના દ્વારા શેરબજારમાં રોકાણ કરવા તૈયાર છે? શેરબજારમાં નિયમિત રોકાણ કરનારા ફરિયાદીએ આ માટે મહિલાને સંમતિ આપી હતી.
મહિલાએ ત્યાર બાદ ફરિયાદીનું નામ બીજા ગ્રૂપમાં ઍડ કરીને લિંક શૅર કરી હતી. ફરિયાદીએ લિંક પર ક્લિક કરીને ટ્રેડિંગ માટે કંપનીની ઍપ ડાઉનલોડ કરી. બાદમાં તેમણે મહિલા અને સહયોગીઓ પાસેથી એકાઉન્ટ ટ્રેડિંગ, ઓટીસી ટ્રેડિંગ, આઇઓપી વિગેરે અંગેના મેસેજ મેળવવાનું શરૂ કર્યું હતું, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
મહિલા અને તેના સહયોગીઓે દ્વારા ભલામણ કરાયેલા સ્ટોકમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેન્ક ખાતાંઓમાં ફરિયાદી દ્વારા પૈસા જમા કરાવાતા હતા. 5 સપ્ટેમ્બરથી 19 ઑક્ટોબર દરમિયાન ફરિયાદીએ આરોપીઓના નિર્દેશ મુજબ 22 જેટલા વ્યવહારોમાં 11.16 કરોડ વિવિધ ખાતાંમાં ટ્રાન્સફર કર્યા હતા.
ટ્રેડિંગ કંપનીની ઍપમાં તેમના ખાતામાં મોટો નફો જોઇ ફરિયાદી ખૂબ ખુશ હતા. જોકે નફાની રકમ કાઢવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમની વિનંતી નકારી કઢાઇ હતી. મહિલાએ તેમને કહ્યું હતું કે આખી રકમ 20 ટકા સર્વિસ ટેક્સ ભરવો પડશે. ફરિયાદીને શંકા જતાં તેમણે નાણાકીય સેવા કંપનીની હૅડ ઓફિસમાં ગયા ત્યારે છેતરપિંડી કરતી કંપનીમાં નાણાં રોક્યાં હોવાની તેમને જાણ કરવામાં આવી હતી. આથી તેમણે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : પુત્રની હત્યા કરનાર પિતાને આજીવન કારાવાસ, જાણો સેશન્સ કોર્ટનો ચુકાદો
દરમિયાન જે બેન્ક ખાતાંમાં પૈસા મોકલવામાં આવ્યા હતા તેની તપાસ દરમિયાન એક બેન્કમાંથી મહિલાએ ચેક દ્વારા છ લાખ રૂપિયા કાઢ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી મંગળવારે મહિલાને તાબામાં લઇ પૂછપરછ કરતાં કૈફ મન્સુરીના કહેવાથી તેણે પૈસા કાઢ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે બાદમાં મન્સુરીને પકડી પાડ્યો હતો. ગુનામાં વપરાયેલા પાંચ બેન્ક ખાતાંના ડેબિટ કાર્ડ મન્સુરી પાસેથી મળ્યાં હતાં. ઉપરોક્ત ખાતાંમાં છેતરપિંડીથી મેળવાયેલી રકમમાંથી 44 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું જણાતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.