કોલાબા કોઝવે પર ફેરિયાઓનો ત્રાસ:રહેવાસીઓએ અઠવાડિયાની આપી મુદત…

સુધરાઈ ઓફિસ બહાર સ્ટોલ લગાવવાની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોલાબા કોઝવે પર વધી રહેલા ગેરકાયદે અતિક્રમણથી કંટાળી ગયેલા સ્થાનિક નાગરિકોએ મુંબઈ મહાનગરપાલિકાના તમામ સ્ટોલને એક અઠવાડિયાની અંદર હટાવવાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો સુધરાઈએ આગામી સાત દિવસમાં ગેરકાયદે રીતે અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓને હટાવ્યા નહીં તો સુધરાઈની ઓફિસ બહાર જ સ્ટોલ ઊભા કરી દેવાની ચેતવણી પણ સ્થાનિક રહેવાસીઓએ આપી છે.
કોલાબા કોઝવે પર મોટી સંખ્યામાં ફેરિયાઓ બેસે છે અને મોટી સંખ્યામાં મુંબઈગરા સહિત ટુરિસ્ટો આ ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હોય છે. ફેરિયાઓ અને પ્રવાસીઓને કારણે અહીં રસ્તા પર તેમ જ ફૂટપાથ પર સ્થાનિક નાગરિકોને ચાલવા માટે જગ્યા બચી નથી. ફેરિયાઓ ગેરકાયદે જગ્યા પર અંડિગો જમાવી દીધો હોઈ એ બાબતે સ્થાનિક નાગરિકોએ અનેક વખત પાલિકા પ્રશાસનને ફરિયાદ પણ કરી હોવાનું કહેવાય છે. છેવટે કંટાળેલા સ્થાનિક નાગરિકો દ્વારા ‘એ’ વોર્ડની ઓફિસને શુક્રવારે પત્ર લખવામાં આવ્યો હતો.

પાલિકાને લખવામાં આવેલા પત્રમાં નાગરિકોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે કોલાબા કોઝવે પર ૫૦ ટકાથી વધુ સ્ટોલ ગેરકાયદે છે અને અતિક્રમણને કારણે ફૂટપાથ પૂર્ણ રીતે રાહદારીઓને ચાલવાને યોગ્ય રહ્યા નથી અને રાહદારીઓ પણ તેને કારણે અસુરક્ષિતતા અનુભવી રહ્યો છે.
કોલાબાના ભૂતપૂર્વ નગરસેવક મકરંદ નાર્વેકરે જણાવ્યું હતું કે પત્રમાં સુધરાઈને આગામી સાત દિવસની મુદત આપી છે. આ સમયમાં દરમ્યાન ફેરિયાઓને હટાવવામાં નહીં આવે તો ‘એ’ વોર્ડ ઓફિસ સામે સ્થાનિક રહેવાસીઓ સ્ટોલ લગાવશે. પત્ર મળવાના એક અઠવાડિયાની અંદર ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ પાલિકાએ કાર્યવાહી કરીને તમામ સ્ટોલ અને અતિક્રમણ કાઢીને ફૂટપાથ જનતા માટે ચાલવા યોગ્ય બનાવવાની માગણી પણ કરવામાં આવી છે.
રહેવાસીઓના દાવા મુજબ વધતા અતિક્રમણને કારણે દક્ષિણ મુંબઈમાં તમામ પ્રખ્યાત શોપિંગ પટ્ટાઓ અસુરક્ષિત બની રહ્યા છે. ફૂટપાથ પર સંપૂર્ણપણે ફેરિયાઓએ કબજો જમાવી દીધો હોવાથી લોકોને રસ્તા પરથી ચાલવું પડે છે, જે વરિષ્ઠ નાગરિકો માટે વાહનોની સંખ્યાને જોતા જોખમી બની શકે છે.



