ટ્રેનમાંથી ખાડીમાં ફેંકવામાં આવેલું નારિયેળ માથામાં વાગતાં યુવાનનું મોત

મુંબઈ: ભાયંદર અને નાયગાંવ સ્ટેશન વચ્ચે ખાડીમાં પધરાવવા માટે દોડતી ટ્રેનમાં ફેંકેલું નારિયેળ માથામાં વાગવાથી 30 વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું.
શનિવારે સવારના આ ઘટના બની હતી, જેમાં ઘવાયેલા યુવાન સંજય ભોઇરનું સારવાર દરમિયાન રવિવારે મૃત્યુ થયું હતું. ભોઇર વસઇ નજીકના પાણજુ ગામમાં રહેતો હતો અને ખાનગી કંપનીમાં કામ કરતો હતો. ભોઇર શનિવારે સવારે રેલવે બ્રિજ પરથી નાયગાંવ સ્ટેશન તરફ ચાલતો જતો હતો ત્યારે બ્રિજ પરથી પસાર થનારી ટ્રેનમાંથી કોઇકે નિર્માલ્ય (પૂજાનો સામાન) ખાડીમાં ફેંક્યો હતો, જેમાંથી નારિયેળ ભોઇરના માથામાં વાગતાં તેને ગંભીર ઇજા થઇ હતી.
ભોઇરને તાત્કાલિક વસઇની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર માટે તેને મુંબઈની હોસ્પિટલમાં ખસેડાયો હતો. માથામાં થયેલી ગંભીર ઇજા અને રક્તસ્રાવને કારણે તેનું રવિવારે સવારે મૃત્યુ થયું હતું. રેલવે પોલીસે જણાવ્યું હતું કે તેમણે આ ઘટનાની સત્તાવાર નોંધ કરી નથી.
આ પણ વાંચો: મુંબઈ લોકલ ટ્રેનના મહિલા કોચ પર પથ્થર વાગતા યુવતી ઘવાઈ, સપ્તાહમાં ત્રીજો બનાવ
દરમિયાન ભોઇરને મૃત્યુથી પાણજુ ગામના રહેવાસીઓમાં શોક ફેલાયો હતો. અહીંના રહેવાસીઓએ કહ્યું હતું કે આ કોઇ પહેલી ઘટના નથી. બ્રિજ પરથી પસાર થનારી ટ્રેનમાંથી ઘણી વાર નિર્માલ્ય તથા અન્ય અન્ય વસ્તુઓ છાશવારે ફેંકવામાં આવતી હોય છે, જેમાં પગપાળા જનારા રાહદારીઓ ઘાયલ થાય છે.
રેલવે પ્રશાસને દોડતી ટ્રેનમાંથી કચરો અને પૂજાનો સામાન ફેંકનારા વિરુદ્ધ પગલાં લેવું શરૂ કરવું જોઇએ, એવી માગણી તેમણે કરી છે. રહેવાસીઓનું કહ્યું હતું કે નાયગાંવ અને ભાયંદર વચ્ચેની ખાડી અને વિરાર-વૈતરણા વચ્ચેન ખાડીમાં ટ્રેનમાંથી છાશવારે પૂજાનો સામાન તથા અન્ય વસ્તુઓ ફેંકવામાં આવે છે, જે તુરંત બંધ કરવું જોઇએ.
અમુક વાર નિર્માલ્ય, નારિયેળ, જૂની મૂર્તિઓ પણ ફેંકવામાં આવે છે, જે ખાડીમાં પડવાને બદલે બ્રિજ પરથી પસાર થનારા રાહદારીઓને વાગે છે. રેલવે પ્રશાસને આવા લોકો સામે પગલાં લેવાં જોઇએ. અન્યથા નિર્દોષ લોકો ઇજા અને મૃત્યુ પામવાની ઘટના બનતી રહેશે, એમ પણે તેમણે જણાવ્યું હતું.