મુલુંડના ફ્લેટમાં મળી આવ્યો ત્રણ ફૂટ લાંબો કોબ્રા…
મુંબઈ: વન વિભાગ દ્વારા મુલુંડના એક ફ્લેટમાંથી ત્રણ ફૂટ લાંબા કોબ્રા સાપને ઉગારવામાં આવ્યો હતો. શનિવારે બપોરે વન વિભાગના અધિકારીઓને ફ્લેટમાં સાપ હોવાની જાણકારી મળતા તે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સાપને ઉગાર્યો હતો.
વન વિભાગના અધિકારી પવન શર્માએ જણાવ્યા મુજબ હેલ્પલાઇન પર આવેલા ફોન પર મળેલી જાણકારીને બદલે અમે ત્યાં પહોંચ્યા હતા. સાપ ઘરના સોફા ઉપર મળી આવ્યો હતો. અમારી ટીમના સભ્ય રવીન્દ્ર સૂર્યવંશીએ કોબ્રા સાપને ઉગાર્યો હતો, જ્યાર બાદ તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. આખી કાર્યવાહી ડૉક્ટર પ્રિતી સાઠે અને ડૉક્ટર કીર્તિ સાઠેના નિરીક્ષણ હેઠળ હાથ ધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સાપ પોતાના દરમાંથી બહાર આવી જઇ લોકોના ઘરમાં ઘૂસી આવતા હોવાની અનેક ઘટના સામે આવે છે. જેને પગલે મહારાષ્ટ્રના વન વિભાગ દ્વારા હેલ્પલાઇન શરૂ કરી છે. વન વિભાગની સાથે સાથે સ્વયંસેવી સર્પમિત્રો અને પ્રાણીપ્રેમી સંગઠનો પણ લોકોના ઘરમાં ઘૂસી આવેલા સાપ-નાગને ઉગારીને તેમને નેચરલ હેબિટેટ એટલે કે પ્રાણીઓના નૈસર્ગિક રહેઠાણ જેમ કે જંગલ વગેરેમાં છોડી દેતા હોય છે.