વાહનચાલકો પર નિયંત્રણ રાખવા કોસ્ટલ રોડ પર રમ્બલર બેસાડાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોસ્ટલ રોડ પર આવેલી ટનલમાં ઓવરસ્પીડિંગ અને એક્સિડન્ટના બનાવ વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને મુંબઈ ટ્રાફિક પોલીસ સાથે મળીને મહાનગરપાલિકાએ વાહનોની સ્પીડને નિયંત્રણમાં રાખવા અને અકસ્માત અટકાવવા માટે કોસ્ટલ રોડ પર રમ્બલર બેસાડવાની યોજના બનાવી છે.
મરીન ડ્રાઈવ પર પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડા સુધીના ૧૦.૫૮ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડને ૧૫ ઑગસ્ટના રોજ તેના પ્રોમોનેડ અને અંડરપાસ સાથે ૨૪ કલાક ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કોસ્ટલ રોડ પર સ્પીડ લિમિટ ૮૦ કિલોમીટર પ્રતિ કલાક અને ઈન્ટરચેન્જ પર ૪૦ કિલોમીટર પ્રતિ કલાક અને ટનલની અંદર ૬૦ કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી હતી.
આ નિયમો હોવા છતાં કોસ્ટલ રોડ પર વારંવાર અકસ્માતો, વાહનોમાં આગ લાગવાને કારણે સલામતીની ગંભીર સમસ્યા નિર્માણ થઈ છે. છેલ્લા એક મહિનામાં જ આઠ લેનની ટ્વિન ટનલની અંદર વાહનોની સ્પીડ અને લેનના નિયમોનું ઉલ્લંઘન માટે ૧૬,૦૦૦ રૂપિયાથી વધુ રકમના ચલાન જારી કરવામાં આવ્યા છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કોસ્ટલ રોડ પર દરરોજ સરેરાશ બે વાહનોના બ્રેકડાઉનના અહેવાલ નોંધાય છે. તાજેતરમાં મુંબઈ ટ્રાફિક પોલીસ સાથે ચર્ચા કરી હતી. એ બાદ ઓવરસ્પીડિંગને રોકવા માટે રમ્બલર ઈન્સ્ટોલ કરવા જેવા પગલા લેવાની ભલામણ કરવામાં આવી હતી. પોલીસ મુખ્યત્વે ઓવરસ્પીડિંગ હોટસ્પોટને ઓળખશે અને તે મુજબ રમ્બલર કયા બેસાડવા બાબતે વિચાર કરવામાં આવશે.
પાલિકાએ કોસ્ટલ રોડ ૨૩૬ સીસીટીવી કેમેરા પણ બેસાડયા છે. આ આધુનિક સર્વેલન્સ અને ટ્રાફિક મોનિટરિગ સિસ્ટમ એક્સિડન્ટના કેસમાં તાત્કાલિક કંટ્રોલ રૂમને ચેતવણી પે છે, જેનાથી ઝડપી કટોકટી પ્રતિસાદ શક્ય બને છે.
આ પણ વાંચો…દહિસર-ભાયંદર કોસ્ટલ રોડ વચ્ચેની અડચણ દૂર મીઠા આગરની જમીનનો કબજો મળ્યો…