26મી જાન્યુઆરી નિમિત્તે સરકારે મુંબઈગરાઓને આપી ‘મોટી’ ભેટ, જાણો શું છે?
વિન્ટેજ કારની ડ્રાઈવ વખતે ફડણવીસની સાથે એકનાથ શિંદે રહ્યા હાજર
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિની સરકારે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજ પર ભાર મૂક્યો હતો. હવે ફરી મહાયુતિની સરકાર સત્તામાં આવ્યા પછી મેટ્રો, રેલવે સહિત બુલેટ ટ્રેનના પેન્ડિંગ કામકાજ પર ભાર મૂક્યો છે, જે અંતર્ગત આજે 26મી જાન્યુઆરી નિમિત્તે મહારાષ્ટ્ર સરકારે મુંબઈગરાઓને નવી ભેટ આપી છે. કોસ્ટલ રોડનું ઉદ્ધાટન કરતા હવે મરીન ડ્રાઈવથી બાંદ્રા સુધી પંદર મિનિટનો સમય લાગશે. મુંબઈગરાઓ આવતીકાલથી કોસ્ટલ રોડ પરથી મુસાફરી કરી શકશે.
આ પણ વાંચો: કોસ્ટલ રોડ પૂરી ક્ષમતાથી શરૂ કરવા માટે તૈયાર
વાહનચાલકોના સમયમાં બચત થશે.
મુંબઈમાં આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોસ્ટલ રોડના બીજા તબક્કાનું ઉદ્ધાટન કર્યું હતું. મરીન ડ્રાઈવથી બાંદ્રા સુધી (બાય કાર)ની મુસાફરી પહેલા દોઢ કલાકમાં થતી હતી, પરંતુ હવે પંદર મિનિટનો સમય લાગશે, જેથી વાહનચાલકોના સમયમાં બચત થશે. આજે ઉદ્ધાટન કરીને મરીન ડ્રાઈવથી બાંદ્રા સુધીના બંને રસ્તાને ખોલી દેવામાં આવ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસની સાથે એકનાથ શિંદે હાજર
મરીન ડ્રાઈવથી બાંદ્રાના બીજા તબક્કાનું ઉદ્ધાટન કરતી વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજના ઉદ્ધાટન કરવામાં આવ્યું ત્યારે તેમની સાથે વિન્ટેજ કારમાં દેવેન્દ્ર ફડણવીસની સાથે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ બેઠા હતા.
કોસ્ટલ રોડ બનાવવામાં લાગ્યા પૂરા સાત વર્ષ
કોરિડોરના ઉદ્ધાટન વખતની વિન્ટેજ કારની મુસાફરીની તસવીરો પણ વાઈરલ થઈ હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા મુજબ કોલ્ટલ રોડ એટલે દરિયા કિનારે બનેલા બ્રિજનું ઉદ્ધાટન બે તબક્કામાં કરવામાં આવ્યું છે. આ યોજનાનું કામ 94 ટકા પૂરું થયું છે, જ્યારે કૂલ 14,000 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આવતીકાલથી મુંબઈગરાઓ કરી શકશે ઉપયોગ
27મી જાન્યુઆરીના આવતીકાલના સોમવારથી મુંબઈગરાઓ કોસ્ટલ રોડના સંપૂર્ણ કોરિડોરનો ઉપયોગ કરી શકશે. કોસ્ટલ રોડે મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ આપી છે. કોસ્ટલ રોડને કારણે પ્રદૂષણ સાથે મુંબઈગરાઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.