કોસ્ટલ રોડ પર તિરાડ પર શરૂ થયું રાજકારણ

મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પર નબળા પેચવર્કને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શિવસેના (યુબીટી) અને ભાજપ પક્ષના નેતાઓએ કામની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભાજપના નેતાએ કામનું સપૂર્ણ ઓડિટ કરવા અને જવાબદાર પક્ષને ઓળખી કાઢવા અને તેમની સામે આકરાં પગલા લેવા માટે એક ખાસ સમિતિની રચના કરવાની વિનંતી કરી છે. જ્યારે શિવસેનાએ તત્કાલિન શિંદે સરકાર પર દોષનો ટોપલો ઢોળી દીધો છે અને તેમના પસંદગીના કૉન્ટ્રેક્ટર પ્રત્યે પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે હાજી અલીથી વરલી સુધી કોસ્ટલ રોડ પર કરવામાં આવેલું પેચવર્ક ગેરવહીવટનું એક સ્પષ્ટ ઉદાહરણ છે. જો અમારી સરકાર સત્તામાં હોત, તો કોસ્ટલ રોડ ૨૦૨૩ સુધીમાં ઉચ્ચ ગુણવત્તાના કામ સાથે પૂરો થઈ ગયો હોત અને આજે સાઈકલ ટ્રેક અને બગીચા સાથે સંપૂર્ણપણે ચાલુ થઈને જાહેર જનતા તેનો ઉપયોગ કરી રહી હોત.
પાલિકાના વિરોધપક્ષ ભૂતપૂર્વ નેતા અને હવે ભાજપ સાથે સંકળાયેલા રવિ રાજાએ પણ સોશ્યલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે 14,000 કરોડ રૂપિયાના મુંબઈના કોસ્ટલ રોડ પ્રોજેક્ટના અમુક ભાગોમા તિરાડો દેખાતી હોવાના સમાચાર ચિંતાજનક છે. આટલો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ બેદકરકારીથી બગડે છે, જેને કારણે રસ્તા પર ખાડા પડે છે તે અસ્વીકાર્ય છે. હું મુખ્યપ્રધાનને કામનુું સંપૂર્ણ ઓડિટ કરવા અને જવાબદાર વ્યક્તિઓને ઓળખવા અને તેમની સામે કડક પગલાં લેવા માટે ખાસ સમિતિ બનાવવા વિનંતી કરું છું.
Also read: કોસ્ટલ રોડ પર અમરસન્સ પાર્કિંગનું કામ અટવાયું: સ્થાનિકોનો વિરોધ
આ દરમ્યાન પાલિકા પ્રશાસને શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ) પ્રોજેક્ટ હેઠળ હાજી અલી ખાતે પુલ પર મેસ્ટિકનો વધારાનો સ્તર દર્શાવતા વીડિયો અને ફોટોગ્રાફ્સ કોઈપણ બાંધકામમાં ખામી દર્શાવતા નથી. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સલામત છે. રસ્તા પર કોઈ તિરાડ કે ખાડા નથી. મીડિયા ફૂટેજમાં દેખાતા પેચ ફક્ત ખાડાઓ સામે નિવારક પગલાં તરીકે લગાવવામાં આવેલા ડામરના સ્તર છે. આગામી ૧૫થી ૨૦ દિવસમાં રસ્તાનો દેખાવ તેની મૂળ સ્થિતિમાં પાછો આવશે.
પાલિકાના અધિકારીએ વધુ સ્પષ્ટતા કરતા કહી હતી કે કોસ્ટલ રોડ (ચોપાટીથી વરલી)નો ઉત્તર તરફનો માર્ગ ડામર કર્યા પછી જુલાઈ ૨૦૨૪માં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ડામરના કેટલાક સાંધા પહોળા થયા છે અને વધુ પહોળા થતા અટકાવવા અને ડામર મજબૂત અને ટકાઉ રહે તે સુનિશ્ર્ચિત કરવા માટે અને વિવિધ સ્થળોએ વધારાના ડામરના સ્તરો લાગુ કરવામાં આવ્યા છે. આ પગલાનો હેતુ ચોમાસા દરમ્યાન સતત અને ભારે વરસાદને કારણે ડામરને નુકસાન અને ખાડા પડતા અટકાવવાનો છે. ધોરણ અનુસાર ડામરનો નવો સ્તર લાગુ કરવામાં આવશે અને આગામી ૧૦થી ૧૫ દિવસાં રસ્તાને પુન:સ્થિતિમાં લાવવવામાં આવશે.
વડાપ્રધાન કાર્યાલયે લીધી નોંધ
મુંબઈ કોસ્ટલ રોડ પર પેચવર્ક કરવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ વડા પ્રધાનની ઓફિસ તરફથી તપાસ શરૂ થઈ છે. હાજી અલી નજીકના ઉત્તર તરફા રસ્તા પેચ દર્શાવતો આ વીડિયો છે. વડા પ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરીએ મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સાથે આ વીડિયો શેર કર્યો હતો. પાલિકાના અધિકારીએ વડા પ્રધાનની ઓફિસ તરફથી દર્શાવવામાં આવેલી ચિંતાને સમર્થન આપતા કહ્યું હતું કે તેમની ઓફિસ તરફથી ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
નેપિયન સી રોડના રહેવાસી માટે અલાયદી એન્ટ્રી-એક્ઝિટ
દક્ષિણ મુંબઈના બ્રીચ કેન્દ્રીના રહેવાસીઓની માગણીઓને ધ્યાનમાં રાખીને પાલિકાએ મલબાર હિલના નેપિયન સી રોડ પર ટ્રાફિકની ફીઝિબિલિટીની અભ્યાસ હાથ ધરવા માટે તૈયાર થઈ છે,જેથી મુંબઈ કોસ્ટલ રોડ પર એન્ટ્રી અને એક્ઝિટ આપતો નવો માર્ગ બનાવવાની શક્યકતા શોધી શકાય. રહેવાસીઓએ તાજેતરમાં નેપિયન સી રોડ માટે વૈકલ્પિક એક્ઝિટ આપવાની વિનંતી કરતી એક ઓનલાઈન અરજી પણ કરી હતી. પાલિકાના અધિકારીઓએ નોંધ્યું હતું કે જ્યારે પ્રોજેક્ટ પર શક્ય હશે ત્યારે તેના પર વધારાનો ખર્ચ થશે. કામને અમલમાં મૂકવા માટે પહેલા તેની ડિઝાઈનને મંજૂરી માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવાની જરૂર પડશે.