થાણેમાં કબડ્ડી પ્લેયરની હત્યાના કેસમાં કોચની ધરપકડ

થાણે: થાણેમાં પોતાના હાથ નીચે તાલીમ લઇ રહેલી 17 વર્ષની કબડ્ડી પ્લેયર અન્ય છોકરાઓ સાથે વાત કરતી હતી, જે કોચને પસંદ ન હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને કોચની ધરપકડ કરી હતી.
થાણેના કોલશેત વિસ્તારમાં 24 મેના રોજ સગીરાનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો. સગીરાની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયા બાદ પોલીસે મંગળવારે નવી મુંબઇના ઘનસોલી વિસ્તારમાંથી કોચ ગણેશ ગંભીરરાવ (23)ને ઝડપી પાડ્યો હતો.
ગંભીરરાવે પોલીસને જણાવ્યું હતું કે સગીરા અન્ય છોકરાઓ સાથે વાત કરતી રહેતી હતી, જે પોતાને ગમતું નહોતું. તેને આ અંગે વારંવાર ચેતવી હતી, પણ તે માનતી નહોતી. આથી 24 મેના રોજ સગીરા તેના ઘરમાં એકલી હતી ત્યારે કોચ ત્યાં પહોંચી ગયો હતો. બંને વચ્ચે ઝઘડો થયા બાદ આરોપીએ રસ્સીથી તેનું ગળું દબાવી દીધું હતું. બાદમાં તીક્ષ્ણ હથિયારથી તેના પર ઘા ઝીંક્યા હતા, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના બાદ અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનોની પૂછપરછમાં કબડ્ડી કોચના વિચિત્ર વર્તન વિશે જાણકારી મળી હતી. આથી તેને તાબામાં લઇને આકરી પૂછપરછ કરાતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી.