સીએમ, પીએમે કરી સમૃદ્ધિ હાઇવે પર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને સહાયની જાહેરાત
શનિવારે મધ્યરાત્રિએ નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 વર્ષના બાળક સહિત 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. સમૃદ્ધિ હાઈવે પર બુલઢાણાથી નાશિક જઈ રહેલા એક ખાનગી ટેમ્પો ટ્રાવેલરે રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં ટ્રાવેલરમાં સવાર 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા. આ ટેમ્પોમાં કુલ 35 મુસાફરો હતા. દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પ્રધાનની જાહેરાતના પગલે વડા પ્રધાન કાર્યાલયે પણ અકસ્માત પીડિતો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મધ્યરાત્રિએ નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઇવે પર વૈજાપુર નજીક ટેમ્પો ટ્રાવેલરના અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. મુખ્ય પ્રધાન કાર્યાલયે આ અકસ્માતમાં મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે અને ઈજાગ્રસ્તોને સરકારી ખર્ચે યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે.
આ અકસ્માતની જાણકારી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારજનો માટે મદદની જાહેરાત કરી છે. એક્સ પર એક પોસ્ટમાં, વડાપ્રધાન કાર્યાલયે કહ્યું હતું કે, “છત્રપતિ સંભાજીનગરમાં થયેલા અકસ્માતમાં જાનહાનિના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, હું તેમની સાથે છું. હું દુર્ઘટનામાં ઘાયલ મુસાફરોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. તેમજ મૃતકના નજીકના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ દ્વારા આપવામાં આવશે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ અકસ્માતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે . ફડણવીસે X પરની એક પોસ્ટમાં કહ્યું છે કે, “તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે છત્રપતિ સંભાજી નગર પાસે એક ખાનગી વાહન અને ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં 12 લોકોના મોત થયા. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અકસ્માતમાં ઘાયલ મુસાફરોને ઘોટી ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કલેક્ટર અને અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 6 ઘાયલોને વૈજાપુર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘાયલોને વહેલી તકે રાહત મળે તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.