અમૃતા ફડણવીસની શાયરાના અંદાજવાળી પોસ્ટ વાયરલઃ પોતાને મહારાષ્ટ્રની ભાભી કહી
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને પ્રચંડ જીત મેળવી સત્તા હાંસલ કરી છે. ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. જોકે, છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનના નામને મુદ્દે મડાગાંઠ ચાલી રહી હતી. ગુરુવારે મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ સમારોહમાં હવે નવી સરકારની રચના થઇ ગઇ છે. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા છે. આ પ્રસંગે તેમના પત્ની અમૃસા ફડણવીસ ખુબ જ ખુશ અને ભાવુક બની ગયા હતા અને સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું હતું કે, ‘હું ડાળીઓ પર સુગંધ લઈને પાછો આવી છું, ગુસ્સાને કારણે હવે દુ:ખ નથી. તે ભર શિયાળે વસંત અને ખુશીઓ લાવ્યા છે. તમારા ભાઈ અને ભાભી પર પ્રેમની વર્ષા કરવા બદલ અંતકરણપૂર્વક આપ સૌનો આભાર, મહારાષ્ટ્ર. તમને બધાને ખૂબ ખૂબ પ્રેમ. હું તમારી ભાભી તરીકે મારી ભૂમિકા નિભાવીશ. હું હંમેશા મહારાષ્ટ્રની સેવામાં રહીશ અને સકારાત્મક પરિવર્તન માટે યોગદાન આપીશ.
પત્રકારો સાથે વાત કરતી વખતે, તેમણે ફડણવીસની રાજકીય સફળતા માટે ધીરજ અને ખંતને મુખ્ય ગુણો ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ ખુશ છે કે દેવેન્દ્ર ફડણવીસ છઠ્ઠી વખત વિધાન સભ્ય બન્યા છે અને તેમણે ત્રીજી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. “ધીરજ અને દ્રઢતા એ મુખ્ય ગુણો છે જે દેવેન્દ્ર ફડણવીસને આ પદ પર લઈ ગયા છે.”
Also read: ફડણવીસે શપથ સમારોહ પહેલા માતાને આપી કિંમતી ભેટ
2014-2019 સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહેલા ફડણવીસે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ‘મે પુન્હા યેંઇન’ (હું ફરી આવીશ) નારો આપ્યો હતો. જો કે, 2019 માં 105 બેઠકો મેળવવા છતાં શિવસેના સાથે ભાજપનું ગઠબંધન તૂટી જતા તેઓ મુખ્ય પ્રધાન તરીકે પાછા ફરી શક્યા નહોતા, તે સમયે તેમણે અજિત પવાર સાથે 80 કલાક માટે સરકાર બનાવી હતી અને મુખ્ય પ્રધાનનું પદ સંભાળ્યું હતું.