મુખ્ય પ્રધાન શિંદેના કાફલાને નડ્યો અકસ્માત

મુંબઈ: જળગાંવમાં મહાયુતિ દ્વારા યોજવામાં આવેલી મહાસભામાં હાજરી આપવા માટે ગયેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કાફલાને મંગળવારે મોટો અકસ્માત નડ્યો હતો. એરપોર્ટ પરિસર ખાતેથી મુખ્ય પ્રધાનનો કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે કાફલામાં જ રહેલી કાર એકબીજા સાથે અથડાઇ હતી.
આ ઘટનામાં શિંદેના કાફલામાં રહેલી ચાર ગાડીઓની ટક્કર એકબીજા સાથે થઇ હતી. જોકે, સદ્ભાગ્યે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી. શિંદેના કાફલા સાથે જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ પ્રવાસ કરી રહ્યા હતા.
પોલીસે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે અકસ્માતની ઘટના કુસુંબા એરપોર્ટ ખાતે બની હતી અને ચાર કારની થયેલી ટક્કરમાં એક કારને વધુ પડતું નુકસાન પહોંચ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઇને પણ ઇજા પહોંચી નહોતી કે કોઇ જાનહાનિ થઇ નહોતી.
આ ઘટના બાદ થોડા જ સમયમાં મુખ્ય પ્રધાન મહાયુતિ દ્વારા લાડકી બહેન યોજના અંતર્ગત યોજવામાં આવેલી મહાસભાના સ્થળે રવાના થઇ ગયા હતા.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પોતાના કાફલા સાથે પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે રસ્તામાં તેમને કોઇ અકસ્માત થયેલો દેખાય તો તે તરત જ પોતાના કાફલાને રોકીને જખમી થયેલાઓને મદદ કરતા હોય છે અને તેમને પોતાના કાફલા સાથે રહેલી કાર કે એમ્બ્યુલન્સ મારફત જખમીઓને હોસ્પિટલ પહોંચાડતા હોય છે. જોકે આ વખતે મુખ્ય પ્રધાનના કાફલાને જ અકસ્માત નડ્યો હતો અને સદ્ભાગ્યે આ ઘટનામાં કોઇને પણ ગંભીર ઇજા પહોંચી નહોતી.