મોસમ બેઈમાનઃ CM Eknath Shinde એ આપ્યા તાબડતોબ આદેશ, પોલીસ સતર્ક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હવામાન ખાતાએ આપેલી ચેતવણીને પગલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કોઇ પણ પ્રકારની બાંધછોડ ન કરતા પાણી પહેલા જ પાળ બાંધવાની શરૂઆત કરીને ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જિલ્લા પ્રશાસન, પોલીસ તેમ જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) તેમ જ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ને ખડેપગે રહેવાની કડક સૂચના આપી હતી અને પરિસ્થિતિ પર બાજનજર રાખવાનો આદેશ શિંદેએ આપ્યો છે.
હવામાન ખાતાએ મુંબઈ સહિત કોંકણના કિનારા વિસ્તાર સિંધુદુર્ગ, રત્નાગિરી, રાયગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને ભારે વરસાદને પગલે ઊભી થનારી કોઇપણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને આદેશ આપી દેવામાં આવ્યો છે.
રાહત કેમ્પ બનાવો, દવા રાખો તૈયાર : શિંદે
વરસાદને પગલે પૂરની સ્થિતિ ઊભી થાય કે પછી ભેખડો ધસી પડવાની કે અકસ્માતની કોઇપણ ઘટના બને એ માટે પહેલાથી જ લોકો અને પશુઓ માટે રાહત કેમ્પ(શેલ્ટર કેમ્પ), દવાઓ અને ભોજન માટે તૈયારી ઉપરાંત જીવનજરૂરી સામાનનો પૂરતો જથ્થો તૈયાર રાખવાનો આદેશ મુખ્ય પ્રધાન શિંદેએ આપ્યો હતો.
આ પણ વાંચો : Mission Maharashtra: ભાજપે કહ્યું, બેઠકો ગુમાવી છે, લોકોનું સમર્થન નહીં…
અકસ્માતગ્રસ્ત વિસ્તારોનો સર્વે, ટ્રાફિક ડાયવર્ટ કરાશે
ઘાટ-ડુંગરાળ વિસ્તાર પર આવેલા રસ્તાઓ પર ભેખડો ધસી પડવા તેમ જ અન્ય પ્રકારે અકસ્માત થવાની શક્યતાઓ હોય છે તેને ધ્યાનમાં રાખીને શિંદેએ આવા રસ્તાઓનો સર્વે કરીને જરૂર પડ્યે ત્યાંથી ટ્રાફિક અન્ય વાળવા(ડાયવર્ટ કરવા)ની સૂચના આપી છે. આ ઉપરાંત ફ્લડ કંટ્રોલ મેથડનો ઉપયોગ કરવાની અને હંગામી શેલ્ટર કેમ્પ્સ તૈયાર કરવાની સૂચના પણ શિંદેએ આપી હતી.
ડેમ અને તળાવ વિસ્તાર ખાસ નજર
બંધ એટલે કે ડેમ હોય, તળાવ જેવા વિસ્તારો જ્યાં પર્યટકોની ભીડ હોય છે તેવા વિસ્તારો પર નજર રાખીને લોકોને ત્યાંથી દૂર રહેવા જણાવવા અને નિયંત્રણો મૂકવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા જે પણ માહિતી બહાર પાડવામાં આવે તે સતત નાગરિકો સુધી પહોંચાડવામાં આવે, તેમ મુખ્ય પ્રધાન શિંદેએ બહાર પાડેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું.