સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડને અડચણરૂપ થનારા બાંધકામનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લામાં એલ.બી.એસ. માર્ગને પહોળો કરવાને આડે અમુક બાંધકામ અડચણરૂપ થઈ રહ્યા હતા, તેને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. તેથી હવે કામ ઝડપથી પૂરું થશે એવો દાવો કરવામાં આવ્યો છે.
સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ પ્રોજેક્ટ અતંર્ગત લાલબહાદૂર શાસ્ત્રી માર્ગ (એલ.બી.એસ.) રોડ પર એક લેનનું કામ પાલિકાએ હાથ ધર્યું છે.

આ લિંક રોડના કામમાં ‘એલ’ વોર્ડની હદમાં પાંચ બાંધકામ અડચણરૂપ બની રહ્યા છે. પાલિકા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને એલ.બી.એસ. માર્ગ પરના પાંચ બાંધકામને મંગળવાર, ૧૯ ડિસેમ્બરના તોડી પાડ્યા હતા.

આ બાંધકામને તોડી પાડવા માટે પાલિકાના એન્જિનિયર, ૧૫ કામગાર, બે જેસીબી અને પોલીસની મદદથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાંધકામ હટાવી દેવાથી હવે લિંક રોડનું કામ ઝડપથી આગળ વધશે.