આમચી મુંબઈ
ઘાટકોપરમાં રસ્તો પહોળો કરવાને આડે આવતા બાંધકામનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી-ઘાટકોપર લિંક રોડ (એજીએલઆર)ને પહોળો કરવા અને મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ (એમઆરઆઈડીસી) તરફથી બાંધવામાં આવી રહેલા પુલના બાંધાકમને અવરોધરૂપ બની રહેલા ૩૭ કમર્શિયલ બાંધકામને શુક્રવાર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના મુંબઈ મહાનગરપાલિકાના એન વોર્ડ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.

સુધરાઈ દ્વારા અંધેરી-ઘાટકોપર લિંક રોડનું ઘાટકોપર પરિસરમાં પહોળો કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રસ્તાને પહોળો કરવામાં અનેક બાંધકામ અવરોધરૂપ બની ગયા હતા. તેમ જ આ વિસ્તારમાં એમઆરઆઈડીસી તરફથી પુલનું બાંધકામ પણ કરવામાં આવી રહ્યું છે. આ બંને પ્રોજેક્ટમાં અહીં રહેલા ૩૭ કમર્શિયલ બાંધકામને કારણે પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો હતો. તેથી તમામ કમર્શિયલ બાંધકામને અગાઉથી સૂચના આપીને તેમ જ વળતર ચૂકવ્યા બાદ શુક્રવારે તોડી પાડવામાં આવ્યા હતા.