મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને જાપાન, જર્મનીથી વધુ મજબૂત બનાવવાનો કોણે કર્યો દાવો?
મુંબઈઃ રાજ્યના અર્થતંત્રને જાપાન અને જર્મની કરતા પણ વિશાળ તેમજ મજબૂત બનાવવા અને એ પ્રયાસમાં નિર્માણ થયેલ સંપત્તિ રાજ્યના સૌથી અંતરિયાળ ગામ સુધી પહોંચે એ દિશામાં પોતે કામ કરશે એમ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું.
બુધવારે થાણેમાં મુખ્ય પ્રધાન અને શિવસેના નેતા એકનાથ શિંદેના જીવનચરિત્ર ‘યોદ્ધા કર્મયોગી – એકનાથ સંભાજી શિંદે’ના લોકાર્પણ પ્રસંગે આપેલા વક્તવ્યમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું. વર્ષ 2047 સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસશીલ ભારત’નાં વિઝનને સાકાર કરવામાં મહારાષ્ટ્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર તેમણે પ્રકાશ પાડ્યો હતો.
આ પણ વાંચો : વસઈ-વિરારવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે
મહારાષ્ટ્રને ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા અને સર્વ સ્તરે વિકાસ થાય એના પર ધ્યાન અપાશે એ અંગે રાજ્યપાલે મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘2047 સુધીમાં ભારત દુનિયાનો સૌથી ધનિક દેશ બની જશે. એ વખતે આપણા મહારાષ્ટ્રનું અર્થતંત્ર વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા કરતા મોટું હોય એ આપણું લક્ષ્ય હોવું જોઈએ અને આપણે બધાએ એ સિદ્ધિ મેળવવા પ્રયત્નો કરવા જોઈએ.’
શિંદેની પ્રશંસા કરતાં રાધાકૃષ્ણને મુખ્ય પ્રધાનની કારકિર્દીના આલેખ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની કારકિર્દી વચ્ચે સમાનતા દર્શાવી હતી. બંને જણ સામાન્ય વ્યક્તિમાંથી કરિશ્મા ધરાવતા સમર્થ લીડર બન્યા એની વાત કરી હતી. શિંદેની આકરી મહેનત અને દ્રઢ નિશ્ચયના સ્વભાવની પ્રશંસા કરી તેમણે યુવાનોને તેમના ઉદાહરણમાંથી શીખવાની અપીલ કરી હતી. (પીટીઆઈ)