‘છેતરપિંડી’ની નગરી?: 5 વર્ષમાં નોંધાયા આટલા કરોડો રુપિયાના કેસ
મુંબઈઃ મુંબઈને દેશનું આર્થિક પાટનગર કહેવામાં આવે છે, પરંતુ વધી રહેલા છેતરપિંડીના કેસને કારણે મુંબઈ પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. મુંબઈમાં છેલ્લા સાડા પાંચ વર્ષમાં ૫૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા છે, તેમાંથી માંડ ચાર ટકા કેસમાં જ આરોપીઓની ધરપડ કર્યા બાદ તેમને દોષિત સાબિત કરવામાં આવ્યા છે.
જાન્યુઆરી ૨૦૧૮થી લઈને જુલાઈ ૨૦૨૩ના સમયગાળા દરમિયાન આર્થિક ગુના શાખામાં લગભગ ૯૫૪ કેસ નોંધાયા હતા. આર્થિક ગુના શાખામાં નોંધાયેલા કુલ ગુનાઓ પૈકી માત્ર ૨૬૪ ગુનાની તપાસ પૂર્ણ કરી આરોપીઓની અટકાયત કરી તેમના ગુનાના તપાસનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસના આર્થિક ગુના શાખા દ્વારા દાખલ રજીસ્ટર કરાયેલા ૫૯૪ કેસમાં ૫૯ હજાર ૭૫ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો નોંધાવવામાં આવી છે. ઉપરાંત જાન્યુઆરી, ૨૦૧૮થી જુલાઈ ૨૦૨૩ દરમિયાન ૩૧૯ જેટલા આરોપીઓને આર્થિક છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને માત્ર ૧૪ આરોપીઓને કોર્ટે દોષિ સાબિત કરવામાં આવ્યા હતા. જેનો દર કુલ ઝડપાયેલા આરોપીઓમાંથી માત્ર ચાર ટકા છે.
મુંબઈ પોલીસની ફાઈનાન્શિયલ ઓફન્સ વિંગ દ્વારા દાખલ કરાયેલા વિવિધ ગુનાઓમાં ૯૩ આરોપીઓની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. છેલ્લા સાડા પાંચ વર્ષમાં મુંબઈમાં ૫૯ હજાર કરોડની છેતરપિંડીના કેસ નોંધાયા હતા, તેમાથી માત્ર ૩૭ કરોડ ૨૪ લાખ ૮૧ હજાર ૨૧૪ રૂપિયા જેટલી રકમ ફરિયાદ નોંધાવનારને પરત કરવામાં આવી છે અને બાકી રહેલી ૫૯ હજાર કરોડ રૂપિયાની રકમને પરત કરવા માટે તપાસ કરવામાં આવી રહ્યો છે.
મુંબઈની ફાઈનાન્શિયલ ક્રાઈમ બ્રાન્ચમાં ૨૦૨૩ના સપ્ટેમ્બર સુધી ૪૬ કેસ નોંધ્યા હતા. મુંબઈ પોલીસે જારી કરેલા રેકોર્ડ મુજબ આ વર્ષમાં કુલ ૧૯૯૬ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે આ તમામ ગુનાને ઉકલવામાં આવ્યા છે.