મ્હાડાની લોટરીમાં ‘માસ્ટર લિસ્ટ’ના નાગરિકોને મળશે આ સુવિધા, જાણો માસ્ટર પ્લાન
મુંબઈ: મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) દ્વારા દક્ષિણ મુંબઈના માસ્ટર લિસ્ટ પરિવારોને 100 ચોરસ ફૂટ વધુ ઘરની જગ્યા ખરીદવાનો વિકલ્પ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાભાર્થીઓએ આ વધારાની જગ્યા મેળવવા માટે યાદીમાં સામેલ નાગરિકોએ રેડી રેકનર રેટ કરતાં 125 ટકા વધુ ચૂકવણી કરવાની રહેશે. માસ્ટર લિસ્ટમાં પ્રોજેક્ટ હેઠળ અસરગ્રસ્ત ઇમારતોનું પુનર્વસન કરાવાની દરેક જવાબદારી સરકારની હોય છે.
સરગ્રસ્ત પરિવારોને મકાનો આપવા માટે મ્હાડાના મુંબઈ બિલ્ડિંગ રિપેર એન્ડ રિકન્સ્ટ્રક્શન બોર્ડ દ્વારા માસ્ટર લિસ્ટ યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દક્ષિણ મુંબઈની સેંકડો જૂની ઇમારતો જે ખૂબ જ નાની જગ્યામાં બનાવવામાં આવી છે એવી ઇમારત જે વરસાદ કે અન્ય કોઈ કારણને લીધે ધરાશાયી થઈ છે ત્યાના પરિવારોને એ જ સ્થળે નાની જગ્યા હોવાને લીધે મકાન આપવાનું શક્ય ન હોવાથી મ્હાડા દ્વારા અન્ય સ્થળોએ બાંધવામાં આવી રહેલી ઇમારતોમાં આવા અસરગ્રસ્ત નાગરિકોને ઘર આપવા માટે એક માસ્ટર લિસ્ટ તૈયાર કરે છે.
મ્હાડાના એક અધિકારીએ જણાવ્યુ હતું કે આ માસ્ટર લિસ્ટ પ્લાન મુજબ આ ઘરોની વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી નાગરિકોને તેમના મૂળ ઘરના કદ જેટલાજ ઘર મફતમાં આ યોજના હેઠળ આપવામાં આવતા હતા. પણ હવે પરિવારોને તેમના મૂળ ઘરની સાઈઝ કરતાં 100 ચોરસ ફૂટ વધારે મોટું ઘર ખરીદવાનો પણ વિકલ્પ હશે.
માસ્ટર લિસ્ટ યોજના હેઠળ અસરગ્રસ્ત પરિવારોને તેમના મૂળ કદના મકાનો મફતમાં મળશે અને તેઓએ માત્ર વધારાની 100 ચોરસ ફૂટ જગ્યા માટે રકમ ચૂકવવાની રહેશે. આ યોજના હેઠળ પરિવારને ફક્ત 750 ચોરસ ફૂટ સુધીના મકાનો આપવામાં આવશે.
માસ્ટર લિસ્ટ યોજના હેઠળ મકાન ફાળવણીની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મ્હાડાએ ઓનલાઈન પદ્ધતિ દ્વારા આ ઘરો આપવાનો નિર્ણય લીધો છે અને ભવિષ્યમાં માસ્ટર લિસ્ટમાંના તમામ ઘરોનું મ્હાડા દ્વારા વિકસાવવામાં આવેલી IHLMS 2.0 ટેક્નોલોજી વડે ઓનલાઈન વિતરણ પાર પાડવામાં આવશે.