બીકેસીમાં સીઆઈએસએફના જવાનની ગોળી મારી આત્મહત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત જિયો સેન્ટર ખાતે ફરજ પર હાજર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાને પોતાને જ ગોળી મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
બીકેસી પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ મૂકેશ કટેરિયા (40) તરીકે થઈ હતી. ગુજરાતના વતની કટેરિયાએ પારિવારિક સમસ્યાને લઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસને લાગી રહ્યું છે.
પરિણીત કટેરિયાની પત્ની 20 વર્ષની પુત્રી અને 17 વર્ષના પુત્ર સાથે ગુજરાતમાં રહે છે અને કટેરિયા મુંબઈમાં એકલો રહેતો હતો. તેની ડ્યૂટી બીકેસીના જિયો સેન્ટર ખાતે હતી. શનિવારે સવારે કટેરિયા સિક્યોરિટી કૅબિનમાં એકલો હતો ત્યારે આ ઘટના બની હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે કટેરિયાના ત્રણ સાથી સવારે 9.30 વાગ્યે ચાર પીવા ગયા હતા ત્યારે એનું વર્તન સામાન્ય લાગ્યું હતું. ચા પીવાની ના પાડી તે સિક્યોરિટી કૅબિનમાં એકલો જ બેઠો હતો. સાથી પાછા આવે તે પહેલાં તેણે પોતાના સર્વિસ વેપન એકે-47થી ગળામાં એક ગોળી મારી હતી. ગોળી તેના માથા પાસેથી બહાર નીકળી હતી.
બનાવની જાણ થતાં બીકેસી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી નહોતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાયન હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ઘટના અંગે તેના પરિવારને જાણ કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.