મુંબઇમાંથી 5.77 કરોડની સિરગરેટ જપ્ત: સમુદ્રના માર્ગે થઇ રહી હતી તસ્કરી
મુંબઇ: મુંબઇ બોલીવુડ અને બિઝનેસને કારણે કાયમ ચર્ચામાં હોય છે. તેથી જ દેશની આર્થિક રાજધાની તરીકે મુંબઇ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુનેગારીમાં પણ મુંબઇનું નામ કાયમ પ્રસાર માધ્યમોમાં આવ્યું છે.
અંડરવર્લ્ડનો દબદબો અને નશીલા પદાર્થોનું મોટું વેચાણ મુંબઇમાંથી જ થતું હોય છે. હિન્દી ફિલ્મોમાં બતાવાય છે તેમ જ સમુદ્રના માર્ગે આવી વસ્તુઓની તસ્કરી થતી હોય છે. મુંબઇના જવાહરલાલ નહેરુ બંદરમાંથી ગુપ્તચર વિભાગની ટીમે 5.77 કરોડ રુપિયાની વિદેશી સિગરેટ જપ્ત કરી છે. સમુદ્ર માર્ગે આ વિદેશી સિગરેટ ભારતમાં લાવવામાં આવી રહી હતી.
મુંબઇ DRI ને મળેલી ગુપ્ત જાણકારી મુજબ મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પરથી પ્રતિબંધિત વસ્તુઓની તસ્કરી થઇ રહી હોવાની વાત બહાર આવી હતી. આ બંદર પરના એક શંકાસ્પદ કન્ટેનરમાંથી આંબલીના બોક્સમાંથી સિગરેટ સંતાડીને લાવવામાં આવી રહી હતી.
આંબલીના આ બોક્સ 40 ફૂટ રેફ્રિજરેટેડ કંટેનરમાંથી ન્હાવા શેવામાં આવેલ કન્ટેનર ફ્રેટ સ્ટેશન (CFS) પર ઉતારવામાં આવ્યા હતાં. DRI દ્વારા કરવામાં આવેલ સઘન તપાસમાં જાણવા મળ્યું કે, સિગરેટની સ્ટીક્સ ખૂબ જ ચતુરાઇથી આંબલીના બોકસમાં સંતાડવામાં આવી હતી. આ સિગરેટના બોક્સ આંબલી વડે ઢાંકવામાં આવ્યા હતાં.
જપ્ત કરવામાં આવેલ સિગરેટની બજાર કિંમત અંદાજે 5.77 કરોડ રુપિયા છે. જેમાં લગભગ 33,92,000 સિગરેટ છે. DRI દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.