થાણે તળાવમાં ૧૨ વર્ષના છોકરાનું ડૂબી જવાથી મોત…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં ઘોડબંદર રોડ પર કાસારવડવલીમાં તળાવમાં તરવા ગયેલા ૧૨ વર્ષના છોકરાનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. મૃતકનું નામ પિયુષ સોનાવણે હોઈ તે પાંચમા ધોરણમાં ભણતો હતો.
કાસારવડવલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ થાણેમાં વાઘબીળમાં વિજય ગાર્ડન નજીક આવેલા ઝુમ્મા નગરમાં પિયુષ સોનાવણે રહેતો હતો. સોમવારે બપોરના તે કાસારવડવલીમાં રામ મંદિર તળાવમાં તરવા માટે ગયો હતો પણ તેને પાણીનો અંદાજ આવ્યો નહોતો. પાણીની અંદર તરવા માટે ગયા બાદ તે ડૂબી ગયો હતો.
ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ, કાસારવડવલી પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત બચાવ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પિયુષને તળાવમાંથી બહાર કાઢયો હતો. તેને તાત્કાલિક થાણે જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ ડૉકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો…મિત્રોના ફોટો પાડવા ગયેલા યુવકનું જુહુના દરિયામાં ડૂબીને મોત