મુખ્યમંત્રી એકનાથ શિંદેની રણનીતિ સફળ વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિના બધા ઉમેદવાર વિજયી
કોંગ્રેસના મતોનું વિભાજન, મહાવિકાસ આઘાડીની નિષ્ફળતા શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની 11 વિધાન પરિષદની બેઠકો માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં મહાયુતિના તમામ 9 ઉમેદવારો ચૂંટાયા હતા. આ ચૂંટણીએ ફરી એકવાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ અને વ્યૂહરચના સફળ થઈ હોવાનું દેખાઈ આવ્યું છે. આ ચૂંટણીમાં મહાગઠબંધનનો ડંકો વાગી ગયો છે અને મહા વિકાસ આઘાડીમાં ભંગાણ શરૂ થઈ ગયું છે.
વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિમાંથી શિવસેનાના ભાવના ગવલી (24 મત) અને કૃપાલ તુમાને (25 મત) જીત્યા. શિવસેના પાસે 46 વોટ હતા. શિવસેનાના ઉમેદવારોને તેનાથી 3 મત વધારે મળ્યા છે. શિવસેનાના વિધાનસભ્યોએ તેમની એકતા દર્શાવી હતી અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. તે જ સમયે ત્રણ વધારાના વિધાનસભ્યોએ પણ મુખ્ય પ્રધાનના નેતૃત્વને સમર્થન આપ્યું હતું.
ભાજપના યોગેશ ટીલેકર, પંકજા મુંડે, અમિત ગોરખે, પરિણય ફુકે અને મહાગઠબંધનના સદાભાઉ ખોતને 26-26 મત મળ્યા હતા. એનસીપી તરફથી રાજેશ વિટેકરને 23 અને શિવાજીરાવ ગર્જેને 24 વોટ મળ્યા હતા. એનસીપી પાસે પોતાના 42 મત હતા. તેમને 5 વધારાના મત મળ્યા હતા.
આ પણ વાંચો: Maharashtra વિધાન પરિષદની 11 બેઠકો માટે આજે ચૂંટણી, જાણો કયા પક્ષ પાસે કેટલા મત
કોંગ્રેસ પાસે 32 મત હતા. પ્રજ્ઞા સાતવને તેમાંથી 25 મળ્યા. એવી આશંકા છે કે કોંગ્રેસના 7 મતોની પ્રથમ પસંદગીના મતો વિભાજિત થયા હતા અને તેના કારણે મહાવિકાસ અઘાડીની નિષ્ફળતા સામે આવી છે.
એનસીપી શરદ પવાર જૂથે શેકાપના ઉમેદવાર જયંત પાટીલને ઉમેદવાર બનાવ્યા હતા. મિલિંદ નાર્વેકરને શિવસેના (યુબીટી) જૂથમાંથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. નાર્વેકરને 23 મતો મળ્યા જ્યારે જયંત પાટીલ હારી ગયા. રસપ્રદ વાત એ છે કે યુબીટીના નાર્વેકર સેકેન્ડ પ્રેફરન્સના મતોથી ચૂંટાયા છે. તેમને પણ વિજય માટે રાહ જોવી પડી હતી.
મહાવિકાસ આઘાડીએ લોકસભાની ચૂંટણીમાં ફેક નેરેટિવ આપીને મતદારોને ગેરમાર્ગે દોર્યા હતા. વિધાન પરિષદના ચુકાદા બાદ મવિઆનો અસ્થાયી સફળતાનો ફુગ્ગો ફૂટી ગયો છે, એમ એકનાથ શિંદેએ પરિણામો બાદ કહ્યું હતું.
મહાયુતિની સાથે અપક્ષ વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સર્વગ્રાહી નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવ્યો છે અને દરેકને સાથે લઈ જશે. વિધાન પરિષદની ચૂંટણી માટે મુખ્ય પ્રધાનની રાજકીય વ્યૂહરચના સફળ રહી હતી અને મહાયુતિના ઉમેદવારો વધારાના મતો મેળવીની જીત્યા હતા.
ચૂંટણી પહેલા એવા અહેવાલો વહેતા કરવામાં આવ્યા હતા કે યુબીટી જૂથ મહાયુતિના વિધાનસભ્યોમાં ભંગાણ પાડશે, પરંતુ આજની ચૂંટણીએ બતાવ્યું કે મહાયુતિ અભેદ્ય છે. શિવસેનાના વિધાનસભ્યો ફૂટશેે. કોંગ્રેસ પક્ષના 7 મતોના વિભાજન બાદ મહાવિકાસ અઘાડીમાં ભંગાણ સામે આવ્યું છે.