‘ભારત ટેક્સી’ પછી મહારાષ્ટ્રમાં હવે ‘છાવા એપ’ આવશે, જાણો લાભ

મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સહકારી ધોરણે ‘ભારત ટેક્સી’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, તેના કારણે ઓલા અને ઉબેર જેવી કંપનીઓ સામે મોટો પડકાર ઉભો થયો છે. હવે ભારત એપને ટક્કર આપવા માટે રાજ્યમાં ટૂંક સમયમાં જ ‘છાવા એપ’ શરૂ થવા જઈ રહી છે. પરિણામે, એપ આધારિત ટેક્સી સેવામાં મુસાફરોને વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે.
ઓલા અને ઉબેર જેવી ખાનગી એપ આધારિત કંપનીઓ દ્વારા વધુ પડતું ભાડું વસૂલવું, ડ્રાઇવરોને ઓછું વળતર આપવું અને મુસાફરોને યોગ્ય સુવિધાઓ ન પૂરી પાડવા જેવી ફરિયાદો મળી રહી હતી. આ મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવવા માટે ૫ ફેબ્રુઆરીના રોજ ‘ભારત ટેક્સી’ શરૂ કરવામાં આવી છે.
આપણ વાચો: ઓલા-ઉબેરને સીધી ટક્કર આપવા આવી રહી છે ‘ભારત ટેક્સી’: 10 દિવસમાં 51,000થી વધુ ડ્રાઇવરનું રજિસ્ટ્રેશન
ભારત ટેક્સીમાં ડ્રાઈવર પોતે જ માલિક હશે. આ એક સહકારી સંસ્થા છે. ઓલા-ઉબેર જેવી કંપનીઓમાં ડ્રાઈવરે દરેક રાઈડ માટે ૧૫થી ૩૦ ટકા જેટલું વળતર કંપનીને આપવું પડે છે. જ્યારે ભારત ટેક્સીના ડ્રાઈવરને કમિશન આપવાને બદલે ભાડાના પૂરેપૂરા પૈસા મળશે. આ સેવા સસ્તી હોવા છતાં, તેમાં મહિલાઓ માટે પેનિક બટન, રિયલ-ટાઇમ ટ્રેકિંગ અને વીમા કવચ જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે.
આ ઉપરાંત, રાજ્ય સરકારના પરિવહન વિભાગના સહયોગથી એસટી નિગમ દ્વારા રાજ્યમાં છાવા એપ આધારિત કેબ સેવા શરૂ કરવામાં આવશે. આ એપ રાજ્યના મરાઠી યુવાનોને રોજગારીની તકો પૂરી પાડશે.
છાવા એપ બનાવવાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. આ માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે અને સમિતિનો રિપોર્ટ આ મહિને પ્રાપ્ત થશે. ત્યારબાદ માર્ચ અથવા એપ્રિલમાં ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે.



