આમચી મુંબઈ

દત્તક લીધેલી ચાર વર્ષની પુત્રીની હત્યા કરવા બદલ દંપતીની ધરપકડ…

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં દત્તક લીધેલી ચાર વર્ષની પુત્રીની કથિત હત્યા કરવા બદલ દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.

સિલ્લોડના રહેવાસી ફૌઝિયા શેખ (27) અને તેના પતિ ફહીમ શેખે (35) પોતાનો ગુનો છુપાવવા માટે બાળકીની દફનવિધિ ઉતાવળમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. દંપતીએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે બાળકી આયતને છ મહિના અગાઉ દત્તક લીધી હતી.

બાળકીને બુધવારે મળસકે ત્રણ વાગ્યે સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી. દરમિયાન એ વિસ્તારના કોઇએ પોલીસનો સંપર્ક સાધીને જાણ કરી હતી કે બાળકીનું મૃત્યુ બીમારી કે કોઇ સ્વાસ્થ્યની સમસ્યાને કારણે નથી થયું.

પોલીસે બાદમાં ઝડપથી કાર્યવાહી કરીને આયતના મૃતદેહને દફનાવવા જઇ રહેલાં ફૌઝિયા અને ફહીમને રોક્યાં હતાં. આયતના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. પોસ્ટમોર્ટમ વખતે બાળકીના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. આથી પોલીસે દંપતીની પૂછપરછ કરી હતી, જેમાં ફૌઝિયાએ કબૂલ્યું હતું કે તેણે બાળકીની મારપીટ કરી હતી.
પોલીસે આ પ્રકરણે દંપતી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હોઇ દંપતીએ બાળકીને કાયદેસર રીતે દત્તક લીધી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: બાળકીનો મૃતદેહ તેના જ ફ્લૅટમાં બાથરૂમના માળિયા પરથી મળ્યો: પડોશીની ધરપકડ

દરમિયાન તમામ પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ ગુરુવારે સાંજે બાળકીના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button