
મુંબઈ: એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળે રવિવારે કહ્યું હતું કે લોકોએ અત્યારની સ્થિતિમાં એક રહેવું જોઈએ અને ભયાનક પહલગામ હુમલો કરનારા આતંકવાદીઓની જાળમાં ન ફસાવું જોઈએ કારણ કે તેમનો હેતુ જ કોમી રમખાણો કરાવવાનો હતો.
‘હિન્દુ વિરુદ્ધ મુસ્લિમનું અભિયાન બંધ થવું જોઈએ. જો આપણે આતંકવાદીઓ સામે લડવું હોય તો આપણે એક થવું જોઈએ. કાશ્મીર સહિત સમગ્ર દેશમાં મુસ્લિમોએ આ હત્યાની નિંદા કરી છે અને વિરોધ માર્ચ કાઢી છે. પહલગામમાં એક મુસ્લિમ પણ આતંકવાદીઓની ગોળીનો ભોગ બન્યો હતો,’ એમ ભુજબળે કહ્યું હતું.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : પહલગામમાં હુમલો, હવે પાકિસ્તાનને જવાબ આપવો પડે
‘હત્યાનો હેતુ સાંપ્રદાયિક વિખવાદ અને રમખાણો કરાવવાનો હતો. લોકોએ આતંકવાદીઓની જાળમાં ન ફસાવું જોઈએ,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા નિતેશ રાણેના નિવેદનની પૃષ્ઠભૂમિમાં તેમની ટિપ્પણી આવી છે કે હિન્દુઓએ ખરીદી કરતા પહેલા દુકાનદારોનો ધર્મ પૂછવો જોઈએ.
યોગાનુયોગ, પહલગામ હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું છે કે આતંકવાદીઓએ હાજર લોકોને ‘કલમા’વાંચવાનું કહીને હિન્દુઓને અલગ પાડ્યા હતા અને તેમના પર ગોળીઓ ચલાવી હતી.