છગન ભુજબળને પ્રધાન બનાવતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, ઉદ્ધવની શિવસેનાએ કર્યા તીખા સવાલો…

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં છગન ભુજબળનું નામ મોટું ગણાય છે. છગન ભુજબળ સામે 2016માં એક કેસ થયો હતો જેના કારણે તેમની પાસેથી પ્રધાન પદ લઈ લેવામાં આવ્યું હતું, જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું. જો કે, બાદમાં ઈડીએ છગન ભુજબળ સામેનો કેસ પાછો ખેંચી લીધો હતો. જેથી અત્યારે છગન ભુજબળને પ્રધાન પદ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને પ્રધાન પદેના શપથ લેવડાવ્યાં હતાં. છગન ભુજબળ મહારાષ્ટ્રાના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ શિવસેના (UBT) એ સત્તા પક્ષ પર આકરા સવાલ કર્યાં છે.
શિવસેના (UBT) એ તંત્રીલેખમાં અનેક વાક્ પ્રહાર કર્યાં
છગન ભુજબળને પ્રધાન બનાવ્યા પછી શિવસેના (UBT) એ ઇતિહાસના પાના ફેરવવાનું શરૂ કરી દીધું છે અને મુખ્યપ્રધાન ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. શિવસેના (UBT) એ તેના અખબાર સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે તેમના જીવનના ખૂબ જ મુશ્કેલ સમયમાં પહોંચી ગયા છે અને તેમણે આ અંગે તેમના પક્ષના પ્રમુખ અમિત શાહને ફરિયાદ કરવી જોઈએ. દેવેન્દ્ર ફડણવીસે છગન ભુજબળને પ્રધાનમંડળમાં સામેલ કર્યા છે અને હવે એકનાથ શિંદેને ભુજબળ સાથે ખભેખભા મિલાવીને બેસવું પડશે.

શું હવે એકનાથ શિંદેને પોતાની પ્રતિજ્ઞા યાદ આવશે?
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કટાક્ષ સાથે કહ્યું કે, છગન ભુજબળ સાથે બેસવામાં તમને અસ્વસ્થતા કેમ નથી લાગતી? તમને શરમ કેમ નથી આવતી? કારણ કે, હિંદુ હૃદય સમ્રાટ શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરેની ધરપકડ છગન ભુજબળે કરાવી હતી. તંત્રી લેખમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને આવા પ્રશ્નો પૂછ્યા હતા. આ વિવાદ હવે ખૂબ જ આગળ વધી રહ્યો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં હવે ગરમાવો આવી રહ્યો છે.
શિવસેના પ્રમુખ પ્રત્યે સાચી નિષ્ઠા હોય તો રાજીનામું આપી દોઃ ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે તંત્રી લેખમાં રાજીનામાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કહ્યું કે, જ્યારે અમિત શાહ અને ફડણવીસે શિંદે માટે મોટી મુશ્કેલી પેદા કરી રહી છે, અને જો તેમને (એકનાથ શિંદેને) શિવસેના પ્રમુખ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. વધુંમા કહ્યું કે, શિંદે-મિંધેએ માત્ર ભુજબળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી નહોતી આપી પરંતુ શિવસેનાના વડાની ધરપકડ કરનાર વ્યક્તિને ફૂલોનો ગુલદસ્તો આપીને સન્માનિત પણ કર્યા છે.
ભુજબળ મુદ્દે ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા
મહત્વની વાત એ છે કે, ભુજબળ મામલે હવે ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. કારણે કે, એકનાથ શિંદે એક સમયે છગન ભુજબળ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. કારણે કે છગન ભુજબળ એ જ વ્યક્તિ છે કે, જેણે બાળાસાહેબ ઠાકરેની ધરપકડ કરાવી હતી, અને તે વખતે શિંદેએ કહ્યું હતું કે તેઓ શિવસેના પ્રમુખની ધરપકડ કરનાર કોઈને પણ છોડશે નહીં’. પરંતુ અત્યારે ગંગા ઉલટી વહેલા લાગી છે. શિંદે અને છગન ભુજબળ હવે એક સાથે જોવા મળી રહ્યાં છે.

ભુજબળનું પ્રધાન બનવું રાજનીતિમાં નવો વળાંક સાબિત થશે?
શિવશેનાએ ભુજબળને પણ આડેહાથ લીધા છે.કહ્યું કે, ફડણવીસે પોતે છગન ભુજબળના કેટલાક કૌભાંડો સામે અવાજ ઉઠાવ્યો હતો. ફડણવીસે અજિત પવારને ભુજબળના કોટડીની બાજુના કોટડીમાં લોટ દળવા માટે જેલમાં મોકલવાની ધમકી પણ આપી હતી. પરંતુ હવે એ ધમકીઓ ક્યાં ગઈ તેવો ઉદ્ધવ ઠાકરોની શિવસેનાએ સવાલ ઉઠાવ્યો છે. મૂળ અર્થ એ છે કે, છગન ભુજબળનું પ્રધાન બનવું હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક લાવી શકે છે. ઉદ્ધવ ઠાકરોની શિવસેનાએ એકનાથ શિંદે, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓને આકરા સવાલો કર્યાં છે.
આપણ વાંચો : ભુજબળ ઓબીસીનો અવાજ છે: ફડણવીસ