સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં છગન ભુજબળનો પ્રધાનમંડળમાં સમાવેશ
‘જેનો અંત સારો, તે બધું સારું,’ સૌથી અનુભવી રાજકારણીઓમાંના એક ભુજબળે સરકારમાં સામેલ થવા પર ખુશી વ્યક્ત કરી

મુંબઈ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ આગામી દિવસોમાં કરવાની રાજ્ય સરકારને ફરજ પડી છે ત્યારે એક આશ્ર્ચર્યજનક ઘટનાક્રમમાં અનુભવી ઓબીસી દિગ્ગજ નેતા અને એનસીપીના છગન ભુજબળને મહાયુતિ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં ઓબીસી વસ્તીને ધ્યાનમાં રાખીને તેમને મનાવવાના પ્રયાસ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
‘જેનો અંત સારો થાય છે તે બધું સારું છે,’ એવા શબ્દોમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને સૌથી અનુભવી રાજકારણીઓમાંના એક ભુજબળે સરકારમાં સામેલ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
માળી-ઓબીસી સમુદાયમાંથી આવતા 77 વર્ષીય ભુજબળને પુનરાગમન કરનાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે અને ડિસેમ્બર 2024માં જ્યારે તેમને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા ન હતા ત્યારે તેઓ નારાજ થયા હતા, ત્યારબાદ તેઓ ફરીથી પાછા ફર્યા છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારની હાજરીમાં ભુજબળને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
શપથ ગ્રહણ સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, વિધાન પરિષદના અધ્યક્ષ પ્રોફેસર રામ શિંદે, કેબિનેટ પ્રધાનો દાદાજી ભુસે, ચંદ્રકાંત પાટીલ, ચંદ્રશેખર બાવનકુળે, હસન મુશ્રીફ, નરહરિ ઝિરવાલ, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ઉદય સામંત, સંજય શિરસાટ, સંજય રાઠોડ, અને દત્તાત્રય ભરણે, સાંસદ પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે, પોલીસ કમિશનર દેવેન ભારતી, રાજ્યપાલના સચિવ ડો. પ્રશાંત નરનવારે, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ભુજબળના પરિવારના સભ્યો હાજર હતા.
અખિલ ભારતીય મહાત્મા ફૂલે સમતા પરિષદના સ્થાપક-પ્રમુખ ભુજબળ એવા લોકોમાંના એક છે જેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી માટે ઉગ્ર ઝુંબેશ ચલાવી હતી.
માર્ચ 2025માં એનસીપીના ધનંજય મુંડેએ રાજીનામું આપ્યા બાદ ભુજબળનો કેબિનેટમાં સમાવેશ થયો છે. મુંડેને થોડા મહિના પહેલા અન્ન, નાગરી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ખાતાના પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. મુંડેના નજીકના સાથી વાલ્મીક કરાડની મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખ સાથે સંકળાયેલી હત્યાના કેસમાં ધરપકડ થયા બાદ તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું. બીજી તરફ એમવીએ સરકારમાં આ ખાતાના તેઓ જ પ્રધાન હતા એટલે આ વખતે તેમને ફરી આ ખાતાની જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે.
સાત વખત વિધાનસભ્ય બનેલા ભુજબળે નાયબ મુખ્ય પ્રધાન ઉપરાંત નગર વિકાસ, ગૃહ, પર્યટન, અન્ન અને નાગરી પુરવઠા જેવી અનેક ખાતાની જવાબદારીઓ નિભાવી છે.
આ પણ વાંચો…પાલિકા ચૂંટણીઓ: સુપ્રીમકોર્ટનું મહિનાનું અલ્ટિમેટમ