આમચી મુંબઈ

સ્કૂટરસવારને અડફેટે લઈ ફરાર થઈ ગયેલા ડમ્પરના ડ્રાઈવરનું પોલીસ સમક્ષ સમર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ચેમ્બુરમાં પૂરપાટ વેગે આવેલા ડમ્પરે સ્કૂટરને ટક્કર મારતાં સ્કૂટરસવારનું મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા ડમ્પરના ડ્રાઈવરે પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું.

ટિળક નગર પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની બપોરે 12.45 વાગ્યે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર ચેમ્બુર નજીક બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાની ઓળખ સુભાષ ડુલગચ (47) તરીકે થઈ હતી.

પોલીસ ફરિયાદ અનુસાર વિલે પાર્લેના બામનવાડા ખાતે રહેતો સુભાષ અંધેરીના ચકાલા સ્થિત હાઉસકીપિંગ કંપનીમાં મૅનેજર હતો. શનિવારની બપોરે તે સ્કૂટર પર શિવાજી નગરથી છેડા નગર તરફ જઈ રહ્યો હતો. પાછળથી પૂરપાટ વેગે આવેલા ડમ્પરે તેના સ્કૂટરને ટક્કર મારી હતી. ગંભીર હાલતમાં તેને રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: વડોદરામાં બેફામ કાર ચાલકે ચાર વાહનોને અડફેટે લીધા, કારમાંથી મળ્યા બિયરના ટિન

દરમિયાન અકસ્માત બાદ ડમ્પર સાથે ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ગણતરીના કલાકોમાં ડ્રાઈવર ટિળક નગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આરોપી ડ્રાઈવરની ઓળખ ગોવિંદા કનીરામ સિંહ ચવાણ (35) તરીકે થઈ હતી. આ પ્રકરણે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન બીકેસીમાં ખાનગી કંપનીમાં કામ કરતી ચંદા માને શુક્રવારે સ્કૂટર પર ઘરે જઈ રહી હતી ત્યારે ડમ્પરે તેને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ચંદાએ જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ ફરાર થઈ ગયેલા ડમ્પરના ડ્રાઈવરની પોલીસે શોધ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button