સસ્તામાં નવરાત્રિના પાસ મેળવવાની લાલચ પડી મોંઘી, લાગ્યો લાખોનો ચૂનો…
મુંબઈ: બોરીવલીના એક આયોજનના ગરબા પાસ સસ્તા ભાવે મેળવવાની લાલચમાં 20 વર્ષના એક યુવાન અને તેના મિત્રોને 5.17 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો હોવાની માહિતી એમએચબી પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે કાંદિવલીના ઠાકુર વિલેજના નિવાસી નિહાર શ્રેયસ મોદીએ તેના માતા પિતા સાથે બોરીવલી પશ્ચિમના ચીકુવાડી વિસ્તારમાં આયોજિત ફાલ્ગુની પાઠક ગરબા નાઈટમાં જવા માગતો હતો. જોકે, વ્યક્તિદીઠ પાસનો દર 4800 રૂપિયા હતો જે તેને પોસાય એમ નહોતું.
દરમિયાન મંગળવારે નિહાર મોદીને તેના મિત્ર શ્રેયાંસ શાહ પાસેથી જાણવા મળ્યું કે તેના કોઈ ઓળખીતા પાસે પાસ છે જે વ્યક્તિ દીઠ 3300 રૂપિયાના ભાવે વેચાય છે. નિરવે બોરીવલીમાં માર્બલ ફ્લોરીંગનો બિઝનેસ ધરાવતા વિશાલ શાહને ફોન કર્યો.
આ આખી ઘટનાની વિગતો આપતા એમએચબી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘મોદીએ વિશાલને જણાવ્યું હતું કે તેને પોતાના અને મિત્રો માટે 156 પાસની જરૂર છે. વિશાલે મોદીને કહ્યું કે પૈસા લેવા એ માણસને મોકલશે અને ત્યારબાદ ક્યાંથી પાસ મેળવવા એનું સરનામું આપશે.’
ગુરુવારે મોદી મિત્રો પાસેથી 5.17 લાખ એકઠા કરી બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પહોંચ્યો જ્યાં એક માણસ રિક્ષામાં આવ્યો. મોદીએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે એના હાથમાં સફેદ રૂમાલ હતો અને રિક્ષામાં એની સીટ પર સ્ટીલના સળિયા પડ્યા હતા. અમારી પાસેથી પૈસા લઈ એ રિક્ષામાં જતો રહ્યો.’ ત્યાર બાદ વિશાલે મોદીને એમએચબી કોલોનીમાં ગ્રીન બિલ્ડીંગ નંબર 2માં જઈ પાસ લેવા કહ્યું હતું.
જોકે, મોદીને એલએચબી કોલોનીમાં આપેલા સરનામાવાળું બિલ્ડીંગ મળ્યું નહીં. મોદીએ વિશાલનો સંપર્ક કરવાની કોશિશ કરી પણ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પોતે છેતરાઈ ગયો હોવાની જાણ થતા નીરવે એમએચબી કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદને આધારે પોલીસે વિશાલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.