કલ્યાણમાં બળાત્કાર બાદ સગીરાની હત્યા: પોલીસ એક સપ્તાહમાં આરોપી વિરુદ્ધ આરોપનામું દાખલ કરશે
સોલાપુર: કલ્યાણમાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યાના કેસમાં પોલીસ આગામી એક સપ્તાહમાં આરોપી વિરુદ્ધ આરોપનામું દાખલ કરશે.
કલ્યાણના ચક્કી નાકા વિસ્તારમાં સગીરા 23 ડિસેમ્બર, 2024ના રોજ ઘરની બહાર રમી રહી હતી ત્યારે આરોપી વિશાલ ગવળીએ તેની પત્નીની મદદથી સગીરાનું અપહરણ કર્યું હતું.
વિશાલે ગવળીએ સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી હતી. દંપતી બાદમાં મૃતદેહને રિક્ષામાં કલ્યાણ-પડઘા માર્ગ પર બાપગાવ ખાતે લઇ ગયું હતું, જ્યાં મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: શિક્ષિકા પર બળાત્કારના આરોપસર શૈક્ષણિક સંસ્થાના સ્થાપકની ધરપકડ…
સગીરાનો મૃતદેહ બીજે દિવસે મળી આવ્યો હતો અને પોલીસે એ જ રાતે વિશાલની પત્ની સાક્ષી ગવળીની ધરપકડ કરી હતી. સાક્ષીના પતિ વિશાલની બીજે દિવસે બુલઢાણાથી ધરપકડ કરવામાં આવી હતી.
વિશાલ કલ્યાણના કોલસેવાડી વિસ્તારનો રહેવાસી છે, જ્યારે સાક્ષી બેન્કમાં કામ કરતી હતી. સાક્ષી તેની ત્રીજી પત્ની છે. બંને હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર યુવક સાથે મિત્રતા ભારે પડી: બળાત્કાર ગુજારી યુવતીને આપ્યો ત્રાસ
ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3 કલ્યાણ) અતુલ ઝેંડેએ જણાવ્યું હતું કે આ કેસની તપાસ ચાલી રહી છે અને આગામી સપ્તાહમાં આરોપીઓ વિરુદ્ધ આરોપનામું દાખલ કરાશે.
કેસની તપાસ પૂર્ણ થવાને આરે છે અને કેસને મજબૂત બનાવવા માટે વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમ સાથે ચર્ચા ચાલી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
આ કેસમાં વધુ ઝડપી ન્યાય મળે તે માટે અધિકારીઓ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. (પીટીઆઇ)