હવામાનમાં પલટોઃ વરસાદના આગમન વચ્ચે શરદ પવાર અને ફડણવીસે રેલી યોજી…
પુણે: મહારાષ્ટ્રમાં શિયાળાના આગમન વચ્ચે આજે એકાએક હવામાનમાં પલટો આવ્યો છે. ચૂંટણીની તારીખ નજીક છે ત્યારે અચાનક હવામનમાં પલટા વચ્ચે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી-એસપીના પ્રમુખ શરદ પવારે શુક્રવારે અનુક્રમે સાંગલી અને કોલ્હાપુરમાં ચૂંટણી રેલીને સંબોધી હતી, જ્યાં વરસાદની જોરદાર હાજરી રહી હતી. ‘આ વખતે અમે વરસાદમાં રેલી યોજી છે તેથી અમારો વિજય પાક્કો છે’, એમ ફડણવીસે જણાવ્યું હતું.
આપણ વાંચો: Gujarat ના અનેક જિલ્લામાં વરસાદની આગાહી, ચક્રવાત દાનાની હળવી અસર વર્તાશે
વરસાદના આગમનને લઈ હવે બંન્ને નેતાએ ‘જીતના શુકન’ ગણાવી હતી. શરદ પવારે આજે કોલ્હાપુરના ઇચલકરંજીમાં ચૂંટણી રેલી સંબોધી હતી અને ત્યાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડ્યા પછી એનસીપી (એસપી)એ સત્તાવાર એક્સ પર લખ્યું હતું કે પુન્હા સાહેબ, પુન્હા પાઉસ, પુન્હા પરિવર્તન.
દરમિયાન સાંગલીમાં ચૂંટણીસભાને સંબોધતા ફડણવીસે કહ્યું હતું કે વરસાદ પડવો એ તો જીતના શુકન કહેવાય. એમ જણાવતા તેમણે ૨૦૧૯માં શરદ પવારે સાતારામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી રેલીને સંબોધી હતી ત્યારે જોરદાર વરસાદ પડ્યો હતો એનું ઉદાહરણ આપ્યું હતું. ૧૮મી ઓક્ટોબર, ૨૦૧૯માં બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં શરદ પવારે વરસાદમાં ચૂંટણીસભામાં લોકો સમક્ષ ભાષણ આપ્યું હતું અને લોકોની વાહ વાહ મેળવી હતી. ત્યારે અવિભાજિત એનસીપીનો તે બેઠક પર વિજય પણ થયો હતો.