શિવસેના ઠાકરેના પક્ષ તરીકે અને એનસીપી શરદ પવારના પક્ષ તરીકે ઓળખાય છે: મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન...
આમચી મુંબઈ

શિવસેના ઠાકરેના પક્ષ તરીકે અને એનસીપી શરદ પવારના પક્ષ તરીકે ઓળખાય છે: મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: શિવસેના અને એનસીપી જૂથો વચ્ચે ચાલી રહેલા મૂળ પક્ષની માલિકીના સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે, મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન ચંદ્રકાંત પાટીલે અત્યંત ચોંકાવનારું નિવેદન કરતાં કહ્યું છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરેના પક્ષ તરીકે ઓળખાય છે, એવી જ રીતે એનસીપી તેના સ્થાપક શરદ પવારના નામથી જ ઓળખાય છે.

તેમની આ ટિપ્પણીઓ શાસક મહાયુતિ ગઠબંધનને માટે શરમજનક સ્થિતિ નિર્માણ કરી શકે છે. વાસ્તવમાં શુક્રવારે સાંગલીમાં એક જાહેર કાર્યક્રમમાં તેઓ પક્ષના કાર્યકર્તાઓને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે ભાજપ કાર્યકર્તાઓના પક્ષ તરીકેની ઓળખ ધરાવે છે.

જ્યારે રાજ્યના બાકીના પક્ષો જેમ કે શિવસેના અને એનસીપી તેના સ્થાપક નેતાઓના નામે ઓળખાય છે. ભાજપમાં કાર્યકર્તાઓના મહત્ત્વને સમજાવવાના પ્રયાસમાં તેઓથી એવું નિવેદન થઈ ગયું હતું જેનાથી સ્થિતિ બગડી શકે છે.

ભાજપ હાલમાં રાજ્યમાં મહાયુતિના ભાગ રૂપે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે સત્તામાં છે, જે બંને દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન છે.

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) અને શરદ પવારની એનસીપી (એસપી) કોંગ્રેસ સાથે વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)નો ભાગ છે. કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે, ‘શિવસેના હંમેશા બાળાસાહેબ ઠાકરેની પાર્ટી તરીકે ઓળખાતી હતી, પછી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તરીકે, અને કદાચ ભવિષ્યમાં તે આદિત્ય ઠાકરેની પાર્ટી તરીકે ઓળખાશે. એનસીપી સાથે પણ એવું જ છે, જે હંમેશા શરદ પવારની પાર્ટી તરીકે ઓળખાતી હતી, પરંતુ ક્યારેય કાર્યકરોની પાર્ટી તરીકે નહીં.’

‘બીજી બાજુ, ભાજપ હંમેશા તેના કાર્યકરોની પાર્ટી તરીકે ઓળખાય છે,’ એમ તેમણે કહ્યું હતું.
જૂન 2022માં શિવસેનાનું વિભાજન થયું જ્યારે પાર્ટીના નેતા એકનાથ શિંદે, જે તે સમયે પ્રધાન હતા, તેમણે ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો અને રાજ્યમાં સરકાર બનાવવા માટે પાર્ટીના મોટાભાગના વિધાનસભ્યો સાથે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. ભાજપના સમર્થનથી શિંદેને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

એક વર્ષ પછી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવારે તેમના કાકા અને એનસીપીના સ્થાપક શરદ પવાર સામે બળવો કર્યો અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે જોડાયા હતા. ઉદ્ધવ ઠાકરેને ઝટકો આપતા, ચૂંટણી પંચે ફેબ્રુઆરી 2023માં શિંદેના નેતૃત્વ હેઠળના જૂથને ‘શિવસેના’ નામ અને તેનું ચૂંટણી પ્રતીક ‘ધનુષ્ય અને તીર’ આપ્યું હતું.

બાદમાં ચૂંટણી પંચે અજિત પવાર જૂથને પણ વાસ્તવિક એનસીપી તરીકે માન્યતા આપી અને તેમના નેતૃત્વ હેઠળના જૂથને પાર્ટી પ્રતીક ‘ઘડિયાળ’ ફાળવ્યું હતું. ઠાકરે જૂથને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નામ અને ‘સળગતી મશાલ’નું પ્રતીક આપવામાં આવ્યું હતું, જ્યારે શરદ પવારના પક્ષને એનસીપી (શરદચંદ્ર પવાર) નામ અને ‘પરંપરાગત રણશિંગું’ આપવામાં આવ્યું હતું, જેને મરાઠીમાં તુતારી તરીકે પણ ઓળખવામાં આવે છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button