શિવસેના યુબીટી નેતા ચંદ્રકાંત ખૈરેએ લોકસભા ચૂંટણીમાં પોતાની હાર માટે પાર્ટીના સાથીદાર દાનવેને દોષી ઠેરવ્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેએ સોમવારે પોતાના પક્ષના સાથીદાર અંબાદાસ દાનવે પર નિશાન સાધ્યું હતું અને ગયા વર્ષે મહારાષ્ટ્રની ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર) લોકસભા બેઠક પરથી પોતાની હાર માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. આ મુદ્દે હવે શિવસેના-યુબીટીમાં રહેલા આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે.
પાયાના પક્ષના કાર્યકરો માને છે કે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા દાનવે ‘એડજસ્ટમેન્ટ’ કરે છે, એવો આરોપ ખૈરેએ વિસ્તૃત માહિતી આપ્યા વિના લગાવ્યો હતો.
મરાઠવાડા ક્ષેત્રના અનુભવી રાજકારણીએ કહ્યું કે તેમણે શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને દાનવે વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. તેઓ (દાનવે) મારી લોકસભા ચૂંટણીની હાર માટે જવાબદાર છે. શિવસૈનિકોને લાગે છે કે તેઓ એડજસ્ટમેન્ટ કરે છે. મેં ઉદ્ધવજી (ઠાકરે)ને બે વાર ફરિયાદ કરી છે. તેમણે (ઠાકરે) (આ અંગે) કેટલાક નિર્ણયો લેવા પડશે,’ એમ ખૈરેએ કહ્યું હતું. લોકસભામાં ચાર વખત ઔરંગાબાદ મતદારસંઘનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ભૂતપૂર્વ સાંસદે કહ્યું હતું કે તેમણે મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડામાં શિવસેનાને મજબૂત કરવા માટે સખત મહેનત કરી છે અને જેલમાં પણ ગયા છે.
તેમણે દાવો કર્યો હતો કે એપ્રિલ-મે 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન તેમની સલાહ લીધા વિના ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 6 મહિના પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) જિલ્લામાં પાર્ટીનો એક પણ ઉમેદવાર જીતી શક્યો ન હતો. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં અડધો ડઝન વિધાનસભા ક્ષેત્રો છે. મને વિશ્વાસ છે કે પક્ષનું નેતૃત્વ (દાનવે વિરુદ્ધ) કાર્યવાહી કરશે, એમ ખૈરેએ કહ્યું હતું.
ખૈરેની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા દાનવેએ કહ્યું હતું કે, ભૂતપૂર્વ સાંસદ એક વરિષ્ઠ નેતા છે અને તેઓ કોઈપણ પગલાં લેવા માટે સ્વતંત્ર છે. છત્રપતિ સંભાજીનગરના બે વરિષ્ઠ સેના (યુબીટી)ના નેતાઓ વચ્ચેનો ઝઘડો વિરોધી ગઠબંધન માટે સારો સંકેત નથી. મરાઠવાડાના પ્રવેશદ્વાર તરીકે ગણાતો આ જિલ્લો એક સમયે અવિભાજિત શિવસેનાનો ગઢ હતો. જો કે, ખૈરે 2019 અને 2024માં – બે વાર લોકસભા સીટ હારી ગયા હતા.
દાનવે પણ ગયા વર્ષે છત્રપતિ સંભાજીનગરથી લોકસભાની ચૂંટણી લડવા ઉત્સુક હતા, પરંતુ ઠાકરેએ ખૈરેને પસંદ કર્યા હતા.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની સત્તાધારી શિવસેનાના સાંદીપન ભુમરે છત્રપતિ સંભાજીનગર લોકસભા સીટ પર જીતી ગયા હતા.