સ્વેટર મૂકીને છત્રી-રેઇનકોટ કાઢજો… મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસમાં વરસાદની શક્યતા
મુંબઇઃ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત ફેંગલ તમિલનાડુ સહિતના દક્ષિણ રાજ્યોમાં ત્રાટક્યું છે અને લો પ્રેશર વિસ્તાર હવે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. પરિણામે, હવામાન વિભાગે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હવે ચક્રવાતના કારણે વાદળછાયા વાતાવરણ અને વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને 3 થી 4 ડિસેમ્બર વચ્ચે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. IMDએ આગાહી કરી છે કે મધ્ય મહારાષ્ટ્રમાં મોટાભાગના સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાત ફેંગલને કારણે લોઅર કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મંગળવારે, 3 ડિસેમ્બરે સિંધુદુર્ગ, કોલ્હાપુર જિલ્લા અને કોંકણના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બુધવારે સિંધુદુર્ગ, રત્નાગીરી , સતારા, કોલ્હાપુરમાં ભારે વરસાદની સંભાવના છે . મરાઠવાડાના પુણે , સોલાપુર, સાંગલી, ધારાશિવ, લાતુર અને નાંદેડ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Also Read – હાઈફાઈ ઘરો બાંધવાની હોંશ વિસારે પાડીને મ્હાડા હવે ફરીથી પરવડે તેવા ઘરો બાંધશે…
હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ઝોન હવે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હોવાથી મહારાષ્ટ્રમાં હાલની તીવ્ર ઠંડી ગાયબ થઈ જશે અને તાપમાનમાં વધારો થશે. વાતાવરણ ભેજયુક્ત અને વાદળછાયું રહેશે અને કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા અને સૂકા ઉત્તરીય પવનોને કારણે સમગ્ર નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાં ઠંડકનું વાતાવરણ હોય છે.