ફેરિયાઓના હિતમાં મધ્ય રેલવે લેશે આ નિર્ણય, પ્રવાસીઓને થશે રાહત

મુંબઈઃ લોકલ ટ્રેનોમાં ફેરિયાઓને વસ્તુઓ વેચવામાં પ્રતિબંધ છે, પરંતુ મધ્ય રેલવેની ટ્રેનોમાં ફેરિયાઓને મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરી છે. લોકલ ટ્રેન સહિત અમુક મેલ-એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અમુક ટ્રેનોમાં પ્રતિબંધ કાયમ રહેશે.
મુંબઈ ડિવિઝનની એસી, મેલ-એક્સપ્રેસ ટ્રેન અને પેસેન્જર ટ્રેનની સાથે સબર્બન ટ્રેનોમાં વેન્ડિંગ કામગીરી માટે બે મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. પહેલી ઈ-ઓક્શન માટે મેલ-એક્સપ્રેસ ટ્રેન અને પેસેન્જર ટ્રેનમાં તમામ વર્ગમાં ખાદ્ય અને બિનખાદ્ય વસ્તુઓને વેન્ડિંગમાં સમાવિષ્ટ કરવામાં આવી છે, પરંતુ મહાનગરી એક્સપ્રેસ, રાજધાની, દૂરંતો અને અન્ય પ્રીમિયમ ટ્રેનોને તેનાથી બાકાત રાખી છે.
ડિવિઝન તરફથી મળતી માહિતી પ્રમાણે લાઈસન્સધારકને બિનઉપયોગી વસ્તુઓ જેમ કે પ્રવાસ સંબંધિત વસ્તુઓ, મોબાઈલ/લેપટોપ સંબંધિત ઉપકરણો, સ્ટેશનરી, ન્યૂઝ પેપર, પત્રિકાઓ, પુસ્તકો વગેરે વેચવાની ફેરિયાઓને છૂટ આપવામાં આવશે. એના સિવાય પેકેજ ફૂડ, સ્નેક્સ સહિત અન્ય વસ્તુઓને મંજૂરી આપવામાં આવશે.
હાલના તબક્કે મુંબઈ સબર્બનની ટ્રેનોમાં ફેરિયાઓને કોઈ વસ્તુઓને વેચવા માટે કોઈ મંજૂરી આપી નથી. જોકે, લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 500 વેન્ડરને લાઈન્સ આપવામાં આવ્યા છતાં અમુક ટ્રેનોનો તેમાં સમાવેશ નથી. લોકલ ટ્રેન માટે પંદરસો વેન્ડર્સને લાઈસન્સ આપવામાં આવશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ ડિવિઝનની ટ્રેનોમાં ફેરિયોને ત્રણ વર્ષનું લાઈસન્સ આપવામાં આવશે, જે મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનની સૌથી મોટી પહેલ હશે. લાઈસન્સ લેનારા વેન્ડર્સને મંજૂરી આપવાનો ઉદ્દેશ તો રેલવે સ્ટેશનના પરિસરમાં લાઈસન્સધારક સ્ટોલવાળાની લૂંટને રોકવાનો છે, જ્યારે ફેરિયાઓને પણ નિયંત્રણમાં રાખવાનો છે, એમ મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો.



