મેગા બ્લોકને કારણે સેન્ટ્રલ રેલવેની ટ્રેન સેવા ખોરવાતા પ્રવાસીઓ બેહાલ…
મુંબઈ: મુંબઈમાં રવિવારના દિવસે મેગા બ્લોક હવે સામાન્ય વાત બની ગઈ છે એવામાં 26 જાન્યુઆરીના રવિવારના રોજ સવારે કર્ણાક બ્રિજ માટેના ગર્ડર બેસાડવાના કામ માટે બ્લોક ચાલુ રહેવાને કારણે મધ્ય રેલવેની મુખ્ય લાઈન અને હાર્બર લાઈનની સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેને કારણે પ્રવાસીઓને ભારે હાડમારી વેઠવાનો વખત આવ્યો હતો અને તેમને ભારે અગવડતા પડી હતી. શનિવારે રાતથી રવિવારે સવારે 5:30 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : જમ્બો બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને હાલાકી
મધ્ય રેલવેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી અને પ્રવાસીઓને જણાવ્યું હતું કે નવ ટ્રેનોને તેના નિર્ધારિત ગંતવ્ય સ્થાન પહેલા જ રોકી દેવામાં આવી છે.
હકીકતમાં નિર્માણધીન કર્ણાક બ્રિજના ગર્ડર બેસાડવા માટે છ કલાક સુધી બ્લોક લેવામાં આવ્યો હતો આ બ્લોક અગાઉ સવારે 5:30 વાગે પૂરો થવાનો હતો પરંતુ તેમાં વિલંબ થવાથી મુસાફરોને ભારે અગવડતા પડી હતી, જેને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ભાયખલા વચ્ચે મુખ્ય લાઈન પર અને સીએસએમટી અને વડાલા સ્ટેશન વચ્ચે હાર્બર લાઈન પર લોકલ ટ્રેનની કામગીરીને થોડો સમય રદ કરવી પડી હતી, એવી રેલવે અધિકારીએ માહિતી આપી હતી.
પ્રવાસીઓને અસુવિધા ના થાય તે માટે સીએસએમટી, દાદર, ભાયખલા અને વડાલા પર ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : થાણેની મહિલાએ શેર ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 1.85 કરોડ ગુમાવ્યા
નોંધનીય છે કે મધ્ય રેલવે વ્યસ્ત ઉપનગરીય રેલવે લાઇન છે જેના પર દરરોજ 37 લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરે છે. અહીં રોજ 1800 સ્થાનિક રેલ સેવાઓનું પણ સંચાલન થાય છે અને લાંબા અંતરની ટ્રેનો પણ દોડે છે.