Central Railwayમાં ટ્રેનોની અનિયમિતતા અને અન્ય સમસ્યાના ઉકેલ માટે પ્રવાસી સંગઠને કરી આ અપીલ

મુંબઈ: મધ્ય રેલવે (Central Railway)માં થાણે અને કલ્યાણ વચ્ચેના કોરિડોરમાં વધારે ટ્રેનની સર્વિસ, લાંબા પ્લેટફોર્મ, 15 ડબ્બાની ટ્રેનની સંખ્યામાં વધારો, ટ્રેનની સમયસર અવરજવર રહે અને વિવિધ પ્રકારના રેલવે અકસ્માતોને નિવારવાની રેલવે પેસેન્જર એસોસિયેશન્સ દ્વારા મધ્ય રેલવેને માગણી કરવામાં આવી હતી.
પેસેન્જર એસોસિયેશન્સના પદાધિકારીઓ 19 જૂને મધ્ય રેલવેના જનરલ મેનેજર આર કે યાદવને મળ્યા હતા. આ બેઠકમાં ઉતારુઓ સમક્ષ રહેલી કેટલીક સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી. રેલવેના ઉચ્ચ અધિકારી સાથેની બેઠક દરમિયાન ખાસ તો થાણે – કલ્યાણના કોરિડોરમાં પ્રવાસીઓને થનારી મુશ્કેલીઓનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
આ કોરિડોરમાં ખાસ તો મુસાફરોથી ભરચક ટ્રેનમાંથી પડી જવાની અનેક દુર્ઘટના બનતી રહે છે. આ વર્ષે થાણા અને કોપર રેલવે સ્ટેશનની વચ્ચે 23 લોકોના મૃત્યુ ટ્રેનમાંથી પડી જવાને કારણે થયા છે. દરમિયાન ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સંલગ્ન રેલ પેસેન્જર એસોસિએશનના અધ્યક્ષ કૈલાશ વર્માએ જણાવ્યું હતું કે ‘થાણે – કલ્યાણ વચ્ચે દોડતી ટ્રેનોની ઝડપમાં વધારો કરવામાં આવશે તેમ જ સખત ભીડ ધરાવતા અને ટ્રેનમાં પ્રવેશવામાં પારાવાર મુશ્કેલી ધરાવતા ડોમ્બિવલી, દિવા, કળવા અને મુમ્બ્રા સ્ટેશનના ઉતારુઓની સગવડ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.’
આ પણ વાંચો : મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સારા સમાચાર, ટ્રેન હવે સમયસર ચાલશે
ઉપનગર રેલવે પ્રવાસી સંઘના મહામંડળ દ્વારા થાણા અને કલ્યાણ વચ્ચેના પ્લેટફોર્મની લંબાઈ વધારવાની પણ માંગણી કરવામાં આવી છે જેથી 15 ડબ્બાની વધુ ટ્રેનોની આવન જાવન શક્ય બને.
એસોસિએશનના મહામંત્રી લતા આરાગડેએ જણાવ્યું હતું કે મધ્ય રેલવેના જનરલ મેનેજર પ્લેટફોર્મની લંબાઈ વધારવાની માંગણી વિચારાધીન કરવા સહમત થયા છે. મધ્ય રેલવેમાં હાલ કસારા / કર્જત – સીએસએમટી કોરીડોરમાં 15 ડબ્બાની માત્ર બે ટ્રેન જ આવ જા કરે છે.