મૃત મૂષકોની મોકાણઃ મોટરમેનને કેબિનમાં ફરી બેસાડવા માટે રેલવે આ યુક્તિ અજમાવશે
મુંબઈઃ મધ્ય રેલવેના વ્યસ્ત રેલવે સ્ટેશન સીએસએમટીમાં પહેલી વહેલી વખત મૂષકોના ત્રાસને કારણે બદનામ થઈ ગયું છે, જ્યારે સૌથી વધુ હાલાકી મોટરમેન-ક્રૂને ભોગવવી પડે છે. એટલે સુધી કે મોટરમેનની ટીમની છેક લોબીમાં બહાર બેસવાની નોબત આવી ગઈ છે ત્યારે રેલવેએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે.
મધ્ય રેલ્વે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSTM)માં મોટરમેન અને ટ્રેન મેનેજર માટે નિયુક્ત વિસ્તારોમાં મૃત ઉંદરોને શોધી કાઢવા માટે અલ્ટ્રામોડર્ન બોરસ્કોપ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ સબર્બન રેલવેના નેટવર્કના ફ્રન્ટલાઈન ફોર્સનો ભાગ તેવા આ લોબીનો ઉપયોગ કરનારા કર્મચારીઓએ મૃત ઉંદરોમાંથી તીવ્ર દુર્ગંધની ફરિયાદ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. બોરસ્કોપ કૅમેરો, જેને ઇન્સ્પેક્શન કૅમેરો પણ કહેવાય છે, જ્યારે લક્ષ્ય વિસ્તાર અન્ય માધ્યમો દ્વારા અપ્રાપ્ય હોય ત્યારે સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિન-વિનાશક પરીક્ષણ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
લોબીના સીલિંગ એરિયાને સ્કેન કરવા માટે બે બોરસ્કોપ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણા મૃત ઉંદરો મળી આવ્યા હતા, જેને પછી દૂર કરવામાં આવ્યા હતા. અમને શૌચાલય અને વૉશરૂમની નજીકની ફોલ્સ સીલિંગની પાછળ પણ મૃત ઉંદરો મળ્યા હતા. મૃત ઉંદરોના નમૂનાઓને તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા છે, એમ અધિકારીએ જમાવ્યું હતું.
વીડિયોગ્રાફીની જોગવાઈ સાથે લોબીમાં એર કન્ડીશનીંગ ડક્ટ્સની રોબોટિક સફાઈ સક્શન મશીનો દ્વારા કરવામાં આવી હતી. આખી જગ્યાને જંતુરહિત કરવામાં આવી હતી. લોબીનો ઉપયોગ કરી રહેલા મોટરમેન, ટ્રેન મેનેજર અને અન્ય કર્મચારીઓ માટે અસ્થાયી રૂપે નજીકમાં જરૂરી વસ્તુઓના સંગ્રહ માટેની જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે જમવાની વ્યવસ્થા પ્લેટફોર્મ નંબર ૬ પર કરવામાં આવી હતી. ક્રૂને મુશ્કેલી મુક્ત સાઇન ઑફ અને ઑન તેમજ ડ્યુટી બુકિંગની મંજૂરી આપવા માટે કામચલાઉ વિસ્તારમાં આયોજન કરવું પડ્યું હતું.
આ પણ વાંચો : મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશન પર શરુ કરાઈ મોટી સુવિધા, જાણો શું છે?
મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત અને હેરિટેજ રેલવે સ્ટેશન સીએસએમટી સૌથી વધુ સ્વચ્છતા રાખવાના દાવા વચ્ચે આ પ્રકારની દુવિધા ઊભી થવાથી મોટરમેન સહિત અન્ય કર્મચારીઓને પણ હાલાકી પડી રહી છે. આ મુદ્દે વ્યવસ્થિત આયોજન થવું જોઈએ, એમ રેલવે પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.