OHEમાં ખામી સર્જાતા મધ્ય રેલવેની આ લાઈનમાં ટેનસેવા પર અસર
મુંબઈ: મધ્ય રેલવેની મેન લાઈનમાં વાંગણી અને બદલાપુર વચ્ચે ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)માં ટેકનિકલ ખામી સર્જાતા આજે સવારે 08:00 વાગ્યાથી ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી, પરિણામે મધ્ય રેલવેની મેન લાઇનમાં ત્રણેક કલાક ટ્રેન સેવા ઠપ રહી હતી. વાંગણી-બદલાપુર સેક્શનમાં અપ લાઈનની ટ્રેન સેવાઓને અસર થવાથી બ્લોક વિના ટ્રેનમા ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી. આ ઘટનાને કારણે કર્જત-સીએસએમટી ટ્રેનો વાંગણીની પાછળ રોકવામાં આવી હતી.
ઉપરાંત, બદલાપુર અને અંબરનાથથી ઉપડતી અપ લાઈનની લોકલ ટ્રેનોને કલ્યાણ અને CSMT સ્ટેશનની વચ્ચે દોડાવાતી હતી, જ્યારે કલ્યાણથી કર્જત સુધીની ડાઉન લાઇનની ટ્રેનો રાબેતા મુજબ ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
હાલમાં OHE વાયરમાં ખામી સર્જાયા પછી તાકીદે મરમ્મત કામ હાથ ધરવામાં આવ્યું હતું. સવારે 11.22 વાગ્યાના સુમારે મરમ્મત કામ પાર પાડ્યા પછી ટ્રેન સેવા ચાલુ કરી હતી, પણ સેકશનમાં ટ્રેન 10થી 15 મિનિટ મોડી દોડતી હતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.