મધ્ય રેલવેમાં નવા ટાઈમટેબલની આશા ઠગારી નિવડી, હાલાકી યથાવત્

મુંબઈ: મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોના નવા ટાઇમટેબલ માટે પ્રવાસીઓને હજી રાહ જોવી પડશે. તેથી દાદર-પરેલ સ્ટેશનથી નવી લોકલ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ રખડી પડ્યો છે. આ અંગેનું મૂળ કારણ જાણી શકાયું નથી.
દાદરના પ્લોટફોર્મ ક્રમાંક-૧૦ હવે બે તરફથી શરૂ થઇ ગયો છે, તેથી બન્ને બાજુથી ફાસ્ટ ટ્રેન આવવાનો પર્યાય ઉપલબ્ધ થઇ ગયો છે. પ્લેટફોર્મ નંબર અગિયારનો ઉપયોગ વધુ થાય તેના માટે સીએસએમટીથી છૂટતી ૧૦ ટ્રેન (પાંચ અપ અને પાંચ ડાઉન) દાદર સ્ટેશનથી ચલાવવાનો પ્રસ્તાવ મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝને લીધો હતો, પરંતુ ઑગસ્ટનું એક અઠવાડિયું પૂરું થવાની આરે છે, પરંતુ હજી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. નવું ટાઇમટેબલ જાહેર કરવાનું હાલપૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે.
કલવા અને મુંબ્રાના રેલવે પ્રવાસીઓને આ નવા ટાઇમટેબલનો ઘણો લાભ થવાનો છે. સવારે અને સાંજે પીક અવર્સમાં આ બન્ને સ્ટેશન પર હૉલ્ટ આપવામાં આવનાર છે. થાણે સુધી દોડતી છ લોકલનો કલ્યાણ સુધી વિસ્તાર કરવામાં આવશે તેથી દિવા, ડોંબિવલી, કલ્યાણના પ્રવાસીઓને પણ તેનો લાભ મળશે. સીએસએમટીથી દાદરમાં ટ્રેનોનું થતું બન્ચિગ ઓછું કરવા અને દાદર તથા પરેલ સ્ટેશનના પ્લેટફોર્મનો યોગ્ય તે ઉપયોગ કરવા માટે નવું ટાઇમટેબલ મહત્ત્વનું હશે.
આ પણ વાંચો : યે હૈ મુંબઈ મેરી જાનઃ લોકલ ટ્રેનમાંથી બહાર નીકળવાની ધમાચકડીનો વીડિયો વાયરલ
નવું ટાઈમટેબલ લાગુ પડ્યું નહીં હોવા છતાં મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોની સર્વિસમાં વધારો થવાની આશા હતી, પરંતુ એના પૂર્વે ટ્રેનોના ધાંધિયા નિરંતર રહે છે. લોકલ ટ્રેનો અનિયમિત હોવાથી પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી, એમ ડોંબિવલીના પ્રવાસીએ જણાવ્યું હતું.