મુંબઈગરા બન્યા કહ્યાગરાઃ Central Railwayમાં ત્રણ દિવસના Blockને કારણે પ્રવાસીઓએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું

મુંબઈઃ મધ્ય રેલવે પર થાણે અને સીએસએમટી સ્ટેશન પર હાથ ધરવામાં આવનારા મહત્ત્વના કામ માટે ત્રણ દિવસનો મેગા બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન રેલવે દ્વારા પણ મુંબઈગરાને બ્લોકના સમય દરમિયાન કામ વિના બહાર ન નીકળવાની તેમ જ શક્ય હોય ત્યાં સુધી રેલવેમાં પ્રવાસ કરવાની ટાળવાની અપીલ કરવામાં આવી હતી. જેની અસર મુંબઈગરા પર થઈ હોય એવું દ્રશ્ય શુક્રવારે દેખાઈ રહ્યું હતું. ટ્રેનોમાં પણ અપેક્ષા કરતાં ઓછી ભીડ જોવા મળી હતી.
રોજ મોડી પડતી ટ્રેન બ્લોકના દિવસે ઓનટાઈમ
મધ્ય રેલવે પર થાણે-સીએસએમટી વચ્ચે પ્રવાસ કરનાર પ્રવાસીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દરરોજની સરખામણી શુક્રવારે બપોરના સમયે ટ્રેનવ્યવહાર નિયમિત જોવા મળ્યો હતો અને ટ્રેનોમાં પણ ભીડ ઓછી જોવા મળી રહી હતી. બ્લોકને કારણે પડનારી હાલાકીના ડરથી મુંબઈગરાઓએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. સામાન્યપણે થાણેમાં બપોરે 11.55ની આવતી લોકલ ટ્રેન નોર્મલ ડેમાં મોડી પડતી હોય છે, પરંતુ શુક્રવારે એ ટ્રેન એકદમ ઓનટાઈમ દોડી હતી અને એકદમ ખાલી પણ હતી, જેથી પ્રવાસ આરામદાયક રહ્યો હતો.
રિક્ષા-ટેક્સીચાલકોની મનમાની પર લગામ
સામાન્યપણે એવું જોવા મળતું હોય છે કે લોકલ ટ્રેન ખોરવાય કે મોડી પડે ત્યારે રિક્ષા-ટેક્સીચાલકોની મનમાની અને ઉઘાડી લૂંટને કારણે નાગિરકોએ પરેશાન થવું પડે છે. પરંતુ આરટીઓ દ્વારા આ સમસ્યાનો સામનો કરવા માટે શુક્રવારથી જ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ટીમ બનાવીને જે તે સ્થળે તહેનાત કરવામાં આવી છે.
મુંબઈ-પુણે વચ્ચે વધારાની બસ સર્વિસ
મધ્ય રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલાં ત્રણ દિવસના બ્લોકને કારણે મુંબઈ-પુણે વચ્ચેના ટ્રેન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી. મુંબઈ-પુણે વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી, પરંતુ આવા સમયે એસટી પરિવહન મંડળ પ્રવાસીઓની વહારે આવ્યું હતું. એસટી મહામંડળ દ્વારા શુક્રવારે થાણે, દાદર, પરેલ ખાતેથી મુંબઈ-પુણે માટે 40 અને પુણેથી મુંબઈ આવવા માટે 40 એમ કુલ 80 વધારાની બસ દોડાવવામાં આવી હતી.
સીએસમટી પહોંચવા માટે આ પણ છે વિકલ્પો
બ્લોકના સમયમાં પ્રવાસીઓ સામે મધ્ય રેલવેના સીએસએમટી પહોંચવા માટે કયા કયા વિકલ્પ છે એ વિશે વાત કરીએ તો પ્રવાસીઓ દાદર સ્ટેશન પર ઉતરીને પશ્ચિમ રેલવેમાં પ્રવાસ કરીને ચર્ચગેટ પહોંચીને ત્યાંથી બાય રોડ સીએસએમટી પહોંચી શકશે. જ્યારે હાર્બર લાઈનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને સીએસએમટી પહોંચવા માટે વડાલા સુધી આવીને આગલનો પ્રવાસ બાય રોડ કરવો પડશે.