લોકલ ટ્રેનમાં ભીડ ઓછી કરવા મધ્ય રેલવેએ લીધો મહત્ત્વનો નિર્ણય
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની ભીડ ઓછી કરવા માટે મધ્ય રેલવે દ્વારા નવા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. આ અગાઉ મધ્ય રેલવેએ દરેક સરકારી એકમોને પોતાના સમયમાં ફેરફાર કરવાનો અનુરોધ કર્યો હતો. હવે આ મુદ્દે મધ્ય રેલવે દ્વારા રેલવેમાં કામ કરનાર દરેક ડિવિઝન (કર્મચારીઓની સાથે સાથે મુંબઈ વિભાગના રેલવે પરિસર, સ્ટેશન અને કારશેડ)માં કામ કરનારા કર્મચારીઓના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી પીક અવરમાં ભીડનો સામનો કરવાની નોબત આવે નહીં.
મુંબઈની સબર્બન ટ્રેનમાં ઓફિસ કલાક દરમિયાન ભીડને લીધે ઘણી વખત અકસ્માતની ઘટના બને છે. આ સમય દરમિયાન ટ્રેનમાં ભીડને ઓછી કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા શહેરની ઓફિસને પત્ર લખી દરેક સરકારી અને ખાનગી ઓફિસના સમયમાં બદલાવ કરવાની અરજી પણ કરી હતી. આ અરજીને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે દ્વારા કર્મચારીઓના કામ કરવાના સમયમાં બદલ કરવામાં આવ્યો છે.
કર્મચારીઓના સમયમાં બદલાવ બાબતે રેલવેના અધિકારીએ કહ્યું હતું કે કર્મચારીઓના સમયમાં બદલાવ થયા બાદ 1500 પૈકી 400 કર્મચારી સવારે 9.30 વાગ્યાને બદલે 11.00 વાગ્યે ઓફિસ આવે છે. આ સિસ્ટમ હવે રેલવેના કારશેડ અને રેલવે સ્ટેશનો પરના કર્મચારીઓના સમય પર પણ લાગુ કરવામાં આવે એવો આદેશ દરેક વિભાગના વડાઓને આપવામાં આવ્યો છે.
મુંબઈ ડિવિઝનમાં અંદાજે 30,000 કર્મચારી સેવામાં છે. આ કુલ કર્મચારીઓમાથી જો 20-25 ટકા કર્મચારીઓના સમયમાં બદલાવ કરવામાં આવે તો પણ લોકલ ટ્રેનોમાં ભીડમાં ઘટાડો જોવા મળશે. મધ્ય રેલવે દ્વારા મુંબઈની દરેક ઓફિસને તેમના સ્ટાફના સમયમાં બદલાવ કરવા અંગે પત્ર લખવામાં આવી રહ્યા છે.
પ્રશાસનની આ ઉપાય યોજના હેઠળ મુંબઈમાં આવેલી સરકારી ઓફિસ, બેન્ક, હોસ્પિટલ, શાળાઓ, અને ખાનગી ઓફિસને 500 કરતાં વધુ અરજી પત્ર મોકલવામાં આવ્યા છે. રેલવેના આ પત્રમાં કરવામાં આવેલી અરજી સ્વીકારીને ઘણી ઓફિસે પોતાના સમયમાં બદલાવ કરવામાં તૈયાર હોવાનું જણાવ્યું છે, એવી માહિતી રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.