મહારાષ્ટ્રમાં રેલ કનેક્ટિવિટીને વેગ: પનવેલ કોર્ડ લાઇન અને રાહુરી-શનિ શિંગણાપુર રેલ પ્રોજેક્ટ મંજૂર

મુંબઈઃ મુંબઈ ક્ષેત્રમાં રેલ ક્ષમતા વધારવા અને કામગીરીને સુવ્યવસ્થિત કરવાના હેતુથી રેલ્વે મંત્રાલયે તાજેતરમાં પનવેલ-સોમટાણે અને પનવેલ-ચીખલી વચ્ચે ૭.૫૪ કિમી લાંબા પનવેલ કોર્ડ લાઇનના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રૂ. ૪૪૪.૬૪ કરોડના ખર્ચે મંજૂર કરાયેલ આ પ્રોજેક્ટ મધ્ય રેલવે દ્વારા હાથ ધરવામાં આવશે.
મુંબઈ ઉપનગરીય રેલવેમાં હાર્બર લાઇન પર પનવેલ એક મહત્વપૂર્ણ ટર્મિનલ છે, જે ઉત્તર તરફ દિવા, દક્ષિણ તરફ રોહા, પશ્ચિમ તરફ જેએનપીટી અને પૂર્વ તરફ કર્જત માટે મહત્વપૂર્ણ જંકશન તરીકે કાર્ય કરે છે. હાલમાં ગ્રેડ-સેપરેટેડ ક્રોસિંગના અભાવે એન્જિન રિવર્સલને કારણે કામગીરીમાં વિલંબ થાય છે.
આપણ વાંચો: ચિનાબ રેલ્વે બ્રિજ: જ્યાં વાદળોની વચ્ચે દોડશે વંદે ભારત
આ અડચણને દૂર કરવા માટે બે કોર્ડ લાઇનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને હવે તેને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ કોર્ડ લાઇન જેએનપીટી-કર્જત કોરિડોર પર બનાવવામાં આવશે, જે દિવા-પનવેલ લાઇન ફ્લાયઓવર પરથી પસાર થશે. બીજી કોર્ડ લાઇન કાલદ્દુનરીગાંવ કેબિન અને સોમટાણે સ્ટેશન વચ્ચે બનશે.
આ નવી લિંક્સ લાઇન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને ભીડ ઘટાડશે તેવી અપેક્ષા છે, જેનાથી પેસેન્જર અને માલવાહક ટ્રેનો બંનેની સરળ અને ઝડપી અવરજવર શક્ય બનશે.
રેલવે મંત્રાલયે તાજેતરમાં મહારાષ્ટ્રના રાહુરીથી શનિ શિંગણાપુરને જોડતી નવી રેલ લાઇનના નિર્માણ માટે પણ મંજૂરી આપી છે. ૨૧.૮૪ કિમી લાંબી આ લાઇન ૪૯૪.૧૩ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.
આપણ વાંચો: 10 વર્ષમાં રોજના સાત કિલોમીટરથી વધુ રેલવે ટ્રેક બિછાવ્યાઃ આરટીઆઈમાં ખુલાસો પણ
શનિ શિંગણાપુર,મહારાષ્ટ્રનું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે જ્યાં દરરોજ ૩૦,૦૦૦ થી ૪૫,૦૦૦ શ્રદ્ધાળુઓ આવે છે, હાલમાં સીધી રેલ કનેક્ટિવિટીનો અભાવ છે. પ્રસ્તાવિત લાઇન યાત્રાળુઓને આ આધ્યાત્મિક કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરશે.
આ રેલ લાઇનથી શિરડી, રાહુ-કેતુ મંદિર (રાહુરી), મોહિની રાજ મંદિર (નેવાસા) અને પૈસ ખાંબ કરાવરેશ્વર મંદિર (નેવાસા) જેવા અન્ય ધાર્મિક અને પર્યટન સ્થળોને પણ ફાયદો થવાની અપેક્ષા છે, જેનાથી સ્થાનિક પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટમાં દરરોજ ચાર પેસેન્જર ટ્રેનોનો પ્રસ્તાવ છે, જેમાં અંદાજિત વાર્ષિક ૧૮ લાખ મુસાફરો મુસાફરી કરશે. આ વિકાસ ભારતના સૌથી વધુ મુલાકાત લેવાતા આધ્યાત્મિક કેન્દ્રોમાંના એક સાથે માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી સુધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.