મધ્ય રેલવેએ CSMT-કર્જત/કસારા કોરિડોરમાં ટૂંક સમયમાં દોડાવાશે 15 કોચની લોકલ ટ્રેન

મુંબઈઃ મુંબઇ: છેલ્લા કેટલાક વર્ષોમાં મધ્ય રેલવેમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો હોવાથી 12 ડબ્બાવાળી લોકલ ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં, સીએસએમટી – ડોમ્બિવલી, કલ્યાણ વચ્ચે 15 ડબ્બાવાળી લોકલ ટ્રેન દોડે છે. આવનારા સમયમાં સીએસએમટી – કર્જત, કસારા વચ્ચે પણ 15 ડબ્બાવાળી લોકલ દોડે એવા સંકેતો છે.
તેના માટે પ્લેટફોર્મની લંબાઈ વધારવા અને પાયાના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બર 2025 સુધીમાં 27 રેલવે સ્ટેશનના વિસ્તૃતીકરણનું કામ પૂર્ણ કરવાનો મધ્ય રેલવેનો ઇરાદો છે.
આપણ વાચો: શોકિંગઃ ચાર્જ સંભાળ્યાના મહિનામાં મધ્ય રેલવેના નવા જનરલ મેનેજરનું નિધન
મધ્ય રેલવેમાં મુસાફરોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો હોવાથી 15 ડબ્બાની લોકલ ટ્રેનો શરૂ કરવાની માંગ વેગ પકડી રહી છે. કલ્યાણ કસારા, કલ્યાણ-ખોપોલી વચ્ચે પ્લેટફોર્મની લંબાઈ ઓછી હોવાને કારણે 15 કોચવાળી લોકલ ટ્રેન શરૂ કરવું શક્ય નહોતું, આથી હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 34 સ્ટેશનના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે.
૨૭ સ્ટેશનોના વિસ્તરણનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, એમ મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યું હતું. આનાથી તબક્કાવાર ૧૫ ડબ્બાની લોકલ ટ્રેનો શરૂ કરાશે. લોકલ ટ્રેનમાં ત્રણ કોચ ઉમેરવાથી વહન ક્ષમતામાં વધારો થશે.
હાલમાં મધ્ય રેલવેમાં 1,810 લોકલ ટ્રેન દોડાવવામાં આવે છે. માળખાગત સુવિધાઓના અભાવે લોકલ ટ્રેનોની સંખ્યા વધારવી શક્ય નથી, તેથી પ્રથમ તબક્કામાં, કલ્યાણ – કર્જત, કસારા વચ્ચે માળખાગત સુવિધા વધારીને 12 કોચની લોકલ ટ્રેનોને 15 કોચની લોકલ ટ્રેનોમાં રૂપાંતરિત કરવામાં આવશે.



