વિરારની મ્હાડા કોલોનીમાંનો ફ્લેટ સેક્સ રેકેટનું કેન્દ્ર: બે વર્ષમાં બંગલાદેશથી 300 છોકરીઓને દેહવ્યાપાર માટે મુંબઈ લવાઇ
![Center of Flat Sex Racket in Virar's Mhada Colony](/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-09-at-6.33.25-PM.jpeg)
વસઇ: વિરારમાં મ્હાડા કોલોનીમાં ઇમારતના એક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલે આ ફ્લેટમાં છાપો મારીને 17 વર્ષની કિશોરીનો છુટકારો કરાવીને બંગલાદેશીની ધરપકડ કરી હતી. આરોપી છેલ્લાં બે વર્ષમાં બંગલાદેશથી 300થી વધુ છોકરીઓને દેહવ્યાપાર માટે મુંબઈ લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
વિરાર પશ્ચિમમાં બોળીંજ વિસ્તારની મ્હાડા કોલોનીમાં ડી-7 ઇમારતમાના ફ્લેટ નંબર 2104માં સેક્સ રેકેટ ચાલતું હોવાની માહિતી એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીને મળી હતી. આથી પોલીસ ટીમે શુક્રવારે રાતના ફ્લેટમાં છાપો માર્યો હતો અને ત્યાંથી કિશોરીનો છુટકારો કરાવ્યો હતો, જ્યારે અન્ય બે યુવતીને નાલાસોપારાના પ્રગતિનગરથી પકડી પાડવામાં આવી હતી.
આ સેક્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર અશોક દાસ બંગલાદેશી છે અને તે પોતાના સાથીદારોની મદદથી બંગલાદેશની કિશોરી-યુવતીઓને ફસાવીને તેમને દેહવ્યાપાર માટે ગેરકાયદે રીતે મુંબઈમાં લાવતો હતો. બંગલાદેશથી છોકરીઓને લાવ્યા બાદ તેમને મ્હાડા કોલોનીના એ ફ્લેટમાં રાખવામાં આવતી હતી. બાદમાં તેમને ગ્રાન્ટ રોડ વિસ્તારના રેડલાઇટ એરિયામાં દેહવ્યાપાર માટે મોકલાતી હતી, એમ તપાસમાં બહાર આવ્યું હતું.